વડોદરા નજીક નંદેસરી પાસે નદીમાં કેમિકલયુક્ત પ્રદુષિત પાણી છોડનારા તત્વો બેફામ બન્યા છે અને આવા તત્વો વિરુદ્ધ ફરિયાદો ઉઠતા આખરે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ વડોદરા એકમ દ્વારા તપાસ શરૂ થઈ હતી અને આ કેમિકલ છોડવા મામલે
8 કંપનીઓને નોટીસ પાઠવી છે. તપાસ દરમિયાન આ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત દુષિત પાણી વરસાદી કાંસમાં છોડવામાં આવતું હોવાનું સામે આવતા આઠ કંપનીઓને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે.
મહત્વનું છે કે વડોદરા નજીક આવેલા અનગઢ, શેરખી, જશાપુરા, રામગઢ, તાડિયાપુરા અને ભગવાનપુરા સહિતના 10થી 15 ગામોમાં કેમિકલયુક્ત લાલ પાણીની સમસ્યા વર્ષોથી છે.
છેલ્લાં 20 વર્ષથી પાણીની આ સમસ્યા અંગે ફરિયાદો હોવા છતાં તેનો કોઈ કાયમી ઉકેલ શોધી શકાયો નથી.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, નંદેસરી GIDCમાંથી રિવર્સ બોર કરીને કેમિકલયુક્ત પાણી જમીનમાં ઉતારવામાં આવત ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ ગયા છે અને આસપાસની મોટાભાગની જમીનો બંજર થઈ ગઈ હતી અને લોકોના સ્વાસ્થ સામે સવાલો ઉઠ્યા છે.
દરમિયાન વરસાદી કાંસમાં પાણી છોડવાનું ચાલુ થતાં ભારે હોબાળો થતા આખરે આઠ કંપનીઓને નોટિસ અપાઈ છે.
આ કંપનીઓમાં જયતિક ઇન્ટરમિડિએટ,લિંક ફાર્મા,મેઘા ડાયકેમ,આર.કે. ઇન્ડસ્ટ્રીઝ,પાન ડ્રગ્સ લિમિટેડ,પાનોલી ઇન્ટરમિડિએટ ઇન્ડસ્ટ્રી – 2 યુનિટ અને શક્તિ એમોનિયા નો સમાવેશ થાય છે.