વડોદરાના સાવલી તાલુકાના લહેરીપુરાની સીમમાં ખાણ ખનીજ વિભાગે રેડ કરતા રેતી માફિયાઓ રંગેહાથ ઝડપાયા હતા પણ તેઓ દાદાગીરી કરી ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ સાથે માથાકૂટ કરી તેઓની નજર સામેજ રેતી ભરેલા વાહનો લઈ ભાગી છૂટતા રેતી માફિયાઓ વિરુદ્ધ રોયલ્ટી ઇન્સ્પેક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ખાણ ખનીજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સોનલબેન મેવાડા પોતાના સ્ટાફ સાથે જરોદ તરફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને સાવલી તાલુકાના લહેરીપુરાની સીમમાં રેતી ખનન ચાલતું હોય સ્થળ તપાસ કરવા ઉપરી અધિકારી દ્વારા મેસેજ મળતા તેઓ સ્થળ નજીક જઈ ડ્રોન દ્વારા તપાસ કરી વીડિયોગ્રાફી કરતા સીમમાં એક જેસીબી મશીન રેતી કાઢતું હોવાસાથે ત્યાં એક ટ્રેક્ટર રેતી ભરેલું અને એક ખાલી ટ્રેક્ટર જણાતા સ્થળ ઉપર રેડ કરી કર્મચારીઓએ રેતી ખનન અટકાવ્યું હતું.
પરંતુ રેતી માફિયા અશ્વિન માછી, રહે ગુલાબ પુરા (પાઇટો) તા. ડેસર અને તેના મળતિયાઓએ આવીને બબાલ કરી રેતી ખનન કરતા ઝડપાયેલા જેસીબી અને ટ્રેક્ટર લઈને ભાગી ગયા હતા. જ્યારે ખાણ ખનીજ વિભાગના સિક્યુરિટી ગાર્ડ વાલમભાઈ મેર બીજી જગ્યાએ ગયા ત્યારે ત્યાં એક જેસીબી અને ડમ્પર જોવા મળ્યું હતું.
ત્યાં પણ કામ અટકાવીને ડ્રોન કેમેરાથી વીડિયોગ્રાફી કરાવી હતી, પરંતુ ત્યાં પણ રેતી માફિયા મુકેશ પરમાર રહે લહેરીપુરા અને તેના મળતિયાઓ સાથે આવી બોલાચાલી કરીને રેતી ખનન કરતા ઝડપાયેલા જેસીબી મશીન અને ડમ્પરને ભગાડી ગયા હતા. રેતી ખનનની કાયદેસરની કાર્યવાહી કરવા જતા ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરતા રેતી માફિયાઓ સામે રોયલ્ટી ઇન્સ્પેક્ટરે ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ડેસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ડેસર તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ખુલ્લેઆમ ખનન થઈ રહ્યું છે. કોઈપણ જાતનો તંત્ર વાહકોનો ડર રાખ્યા વગર પાસ, પરમિટ, લીજ કે અન્ય કોઈપણ જાતની પરવાનગી લીધા વગર બિન્દાસ પણે રેતી ખનન કરી દિવસ દરમિયાન જાહેર માર્ગો ઉપરથી ટ્રેક્ટરો અને ડમ્પરો દ્વારા હેરાફેરી કરી રહયા છે જેઓને કોઈનો ડર નથી અને બિન્દાસ રેતી ખનન થઈ રહ્યું છે.