આજના હાઇટેક યુગ માં પણ ભણેલા ગણેલા લોકો ને પણ તંત્રમંત્ર ની વાતો માં આવી જઈ બરબાદ થતા હોવાના અવારનવાર મીડિયા માં સમાચારો આવતા હોવાછતાં એજ્યુકેટેડ લોકો પણ ઉલ્લું બની રહ્યા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે.
વડોદરાથી ઉજ્જૈન દર્શનાર્થે ગયેલા એક ખાનગી કંપનીના મેનેજરને તાંત્રિકે રૂ.21 લાખ નું કરી નાખ્યું હતું આ મેનેજરે પોતાનો ધંધો વધારવાની લાલચ માં તાંત્રિક બાબાની ચુંગાલમાં ફસાયા હતા.
દરમિયાન અવનવા જાદુ બતાવી મેનેજરને વિશ્વાસમાં લઈ તાંત્રિકે રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું બાદમાં આખો પરિવાર સાફ થઈ જશે તેવી ધમકી આપી રૂ.21 લાખ ની રકમ પડાવી લઈ વારંવાર નાણાંની માગણી ચાલુ રહેતા ત્રાસી જઈ મેનેજરે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે તાંત્રિકને ઝડપી લીધો હતો,અને બાકીના 3 ઈસમો ની શોધખોળ શરૂ કરી છે.
વડોદરા ના અકોટા ગાર્ડન પાસે અનુરાગ સોસાયટીમાં રહેતા 42 વર્ષના સિદ્ધાર્થ પ્રકાશ શર્મા ડિસેમ્બરની ત્રીજી તારીખે દર્શનાર્થે ઉજ્જૈન ગયા હતા. તેઓ મંદિરમાં દર્શન કરી અન્ય સ્થળે જવા રિક્ષા કરી હતી. રિક્ષાચાલક દિનેશ સોલંકીએ ધંધો વધારવા તાંત્રિક પાસે જવાની વાત કરતાં તેમની વાતોમાં આવી ગયા હતા અને તાંત્રિકની મુલાકાત લીધી હતી. તાંત્રિક બાબાએ પોતાનું નામ ગોપાલ ઉર્ફે રાજ્યગુરુ ઉર્ફે રાજેશ શાસ્ત્રી ઉર્ફે તિલક શાસ્ત્રી રામચંદ્ર ઉર્ફે રામેશ્વર શર્મા વ્યાસ આપ્યું હતું. તાંત્રિકે સ્મશાનમાં વિધિ કરી આદેશ મેળવવાનું જણાવી સિદ્ધાર્થને બીજા દિવસે આવવા જણાવ્યું હતું.
બીજા દિવસે રિક્ષાચાલક દિનેશ સોલંકી કાર લઈ આવ્યો હતો. જેમાં સિદ્ધાર્થ શર્મા, તાંત્રિક તેમજ અન્ય 2 શખ્સો નદીના કિનારે ગયા હતા. ત્યાં પૂજા-પાઠ કરી સિદ્ધાર્થ શર્માને 10થી 12 ડૂબકી મરાવી હતી. આ વિધિના 31 હજાર તેઓએ ઓનલાઇન દિનેશ સોલંકીના ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ તાંત્રિક બાબા કારમાં સિદ્ધાર્થ શર્મા સાથે વડોદરા આવ્યો હતો. હોટલમાં રોકાયેલા બાબાએ તેના પરિવારને અવનવા ચમત્કાર બતાવી દક્ષિણા પેટે બીજા 30 હજાર લીધા હતા અને વિધિ હજુ અધૂરી હોવાનું જણાવી પરત ઉજ્જૈન જવા રવાના થયા હતા.
દરમિયાન તાંત્રિક બાબા વારંવાર ફોન કરી વિધિ માટે રૂપિયાની માગણી શરૂ કરી હતી અને જો નહીં આપે તો આખું ખાનદાન સાફ થઈ જશે તેવી ધમકી આપતાં સિદ્ધાર્થ શર્માએ તેમના અને તેમની પત્નીના અલગ-અલગ એકાઉન્ટમાંથી તબક્કાવાર 21 લાખ જેટલી માતબર રકમ જમા કરાવી હતી.તાંત્રિક બાબાની વારંવારની ધમકીથી ત્રસ્ત થઈ સિદ્ધાર્થ શર્મા આખરે ગોત્રી પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે તાંત્રિક, દિનેશ સોલંકી અને અન્ય 2 શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તાંત્રિક બાબાએ સિદ્ધાર્થ શર્માને વિશ્વાસમાં લેવા માટે અવનવા જાદુ શરૂ કર્યા હતા. જેમાં તેણે સૌપ્રથમ લોટને હથેળીમાં લઈ સિંદૂર બનાવ્યું હતું. ત્યારબાદ એક ચાદર મગાવી તેમાં રૂા. 10ની નોટ પકડી રાખી 110 બહાર કાઢ્યા હતા. આમ જાદુ બતાવી 21 લાખ ગુમાવનાર સજ્જન પેટ ભરીને પસ્તાયા હતા અને ધંધો તો આગળ ન વધ્યો પણ ઘરમાં હતા તે રૂપિયા પણ ગુમાવવાનો વારો આવ્યો હતો.