વડોદરામાં કોરોના નું સંક્રમણ વધ્યું છે છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના કેસો વધતા ખાનગી હોસ્પિટલો દ્વારા બેડ ફૂલ થઇ જવાથી પેશન્ટ લેવાનું બંધ કરી દેવામાં આવ્યુછે. અગાઉ ચૂંટણીઓ પૂર્વે કોરોનાના કેસો ઘટી જતા તંત્ર દ્વારા જે ખાનગી હોસ્પિટલોમા કોવિડ સેન્ટરો શરૂ કરવામા આવ્યા હતા. તે સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે, પુનઃ વધી રહેલા કેસોના કારણે તંત્ર દ્વારા પુનઃ એકવાર ખાનગી હોસ્પિટલોમાં કોવિડ સેન્ટરો શરૂ કરવા પડે તેવી સ્થિતિ છે.
વડોદરામાં તાજેતરમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીઓ દરમિયાન રાજકીય પક્ષો દ્વારા રેલીઓ અને સભા સરઘસો કાઢવામાં આવતા કોરોના સ્પ્રેડ થતા કેસ વધી ગયા છે.
ખાનગી હોસ્પિટલ સિવાય સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓ ઉભરાઇ રહ્યા છે.
હાલમાં ગોત્રી દવાખાનામાં 110 દર્દીઓ અને સયાજી હોસ્પિટલમાં 90 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે તેવી જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે વડોદરામાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 60 દિવસના અંતરાલ પછી આ રોગની સારવાર આપતાં દવાખાનાઓમાં દર્દીઓની કુલ સંખ્યાનો આંક 1 હજારને પાર પહોંચી ગયો છે.
બીજી તરફ કોરોનાના કેસ વધી જતા સામાન્ય તાવ અને શરદીથી પીડાતા લોકો પણ અર્બન હેલ્થ સેન્ટર ઉપર કોરોના ટેસ્ટ કરવા માટે લાઇનો લગાવી રહ્યા છે. તે સાથે અત્યાર સુધી વેક્સિન ન લગાવનાર 60 વર્ષથી ઉપરના લોકો પણ વેક્સિન લગાવવા માટે હેલ્થ સેન્ટર ઉપર પહોંચી રહ્યા છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે વડોદરાના મેયર કેયુર રોકડિયા પોતાની વૃદ્ધ માતાને વેક્સિનનો ડોઝ અપાવવા માટે ગોરવા હેલ્થ સેન્ટર ખાતે ગયા હતા. મેયરે લોકોને વેક્સિન લઈને કોરોનાથી સુરક્ષિત થવા અપીલ કરી હતી.