વડોદરા શહેર અને જિલ્લા માં સતત કોરોના સંક્રમિતો સાથે કોરોના થી મૃત્યુઆંકમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. વડોદરામાં આજે વધુ 8 લોકોના મૃત્યુ થતા ભારે ચકચાર મચી ગઈ છે અને અહીંના ખાસવાડી સ્મશાનમાં મૃતદેહોનો ભરાવો થતાં અન્ય સ્મશાન ગૃહમાં મૃતદેહ ને લઈ જવા પડ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
વડોદરામાં કોરોના નો કાળો કેર જોવા મળી રહ્યો છે અને જેઓનાં કોરોના થી મોત થયા છે તેમાં આજે ફતેપુરા રાણા વાસના કાંતિલાલ રાણા (ઉં.82), માંજલપુર સદૈવ ડુપ્લેક્ષમાં રહેતા જયંતિભાઇ મિસ્ત્રી (ઉં.57)નું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત રાજમહેલ રોડના 82 વર્ષિયનું પારૂલ હોસ્પિટલ, હાથીખાનાના 75 વર્ષિયનું ધિરજ હોસ્પિટલનો મોડી રાત્રે મોત નીપજ્યું હતું. આ સાથે આજવા રોડ ફાતેમા કોમ્પ્લેક્ષ ખાતે રહેતા 70 વર્ષિય મહિલાનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું. તેમજ વારસીયા રીંગ રોડ ઉપર આવેલી રવિપાર્ક સોસાયટીમાં રહેતા 80 વર્ષિય વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને કાલુપુર શહિદ ચોકમાં રહેતા 43 વર્ષિય વ્યક્તિનું મોત નીપજ્યું હતું.આમ કોરોના થી મોત નો આંક વધી ગયા નું સામે આવી રહ્યું છે.
મોડી રાતથી સવાર સુધીમાં ખાસવાડી સ્મશાનમાં કોરોના સંક્રમિત મૃતદેહોની સંખ્યા વધી જતાં વડોદરાના અકોટા ખાતેના સ્મશાનમાં લઇ જઇ અંતિમ સંસ્કાર કરાવની ફરજ પડી હોવાની ગંભીર વાત સામે આવી છે, કોરોના સંક્રમિતોની સંખ્યામાં અને મૃતકો માં સતત વધારો થઇ રહ્યો હોવા છતાં તંત્ર દ્વારા કોરોનાથી મૃત્યુ થયું હોવાનો ઇન્કાર કરવામાં આવી રહયા ની વાતો પણ સામે આવી રહી છે.
વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા 1447 પર પહોંચી ગઇ છે.કોરોનામાં હાલમાં વિવિધ હોસ્પિટલોમાં અને હોમ આઇસોલેશનમાં કુલ 473 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. આ પૈકી 53 દર્દી ઓક્સિજન પર અને 38 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આમ અમદાવાદ બાદ વડોદરા માં પણ કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે છૂટછાટ માં જનતા એ જાતેજ કોરોના થી બચવા ઉપાયો કરવા પડશે અન્યથા જીવ ગુમાવવાનો વારો આવે તેવું જણાય રહ્યુ છે.
