વડોદરા માં ચાલુ રહેલા સતત વરસાદ અને ઉપરવાસ માંથી આવી રહેલા નવા પાણી ને લઈ વિશ્વામિત્રી નદીમાં પાણી ની સપાટી વધતા વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરુઆત થઈ ચૂકી છે. વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલા સુભાષનગરમાં પૂરના પાણી ઘૂસી ગયા છે, જોકે સુભાષનગરના લોકોનું આગલા દિવસે ગતરોજ શુક્રવારે જ સ્થળાંતર કરવામાં આવતા તેઓ સલામત છે વિશ્વામિત્રી નદી માં પાણી નીસપાટીમાં સતત વધારો થતાં વડોદરા શહેર પર પૂરનું સંકટ તોળાઇ રહ્યું છે. વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી બપોરે 1 વાગ્યે 22.50 ફૂટે પહોંચી છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. ગતરોજ શુક્રવારે સાંજે 6 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી 19 ફૂટ હતી અને સવારે 8 વાગ્યે સપાટી વધીને 22 ફૂટ થઇ ગઇ હતી આમ રાત્રી દરમિયાન વિશ્વામિત્રી નદીની સપાટીમાં 3 ફૂટ જેટલો વધારો થયો છે.જેથી પૂર ની શક્યતાઓ વધી ગઈ છે
આજવા ડેમ ઓવરફ્લો થતાં પાણી સતત વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યુ છે પરિણામે વડોદરા શહેરમાં આવનારા પૂરના સંકટને પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે અને પૂરની સ્થિતિને પહોંચી વળવાની તમામ પગલાંઓ ભરવામાં આવ્યા છે. NDRF અને ફાયરબ્રિગેડની ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં ગત વર્ષે 31 જુલાઇ-2020ના રોજ એક જ દિવસમાં 20 ઇંચ વરસાદ વરસતા પૂરની સ્થિતિનું નિર્માણ થયા બાદ આ વર્ષે ફરી વડોદરા અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા ડેમમાં નવા નીરની આવક થતાં વિશ્વામિત્રી નદીમાં પૂર ની ફરી એકવાર સ્થિતિ ઉભી થઇ છે. શહેર ના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.વડોદરા શહેર પાસે ધનિયાવીથી મકરપુરા જવાના રોડ પર પોતાના ફાર્મહાઉસ તરફ જઇ રહેલા નિવૃત પી.આઇ. જાંબુવા નદીમાં પૂરના ધસમસતા પાણીમાં કાર સાથે તણાયા હતા. જેથી જીવ બચાવવા તેઓ કાર પર ચઢી ગયા હતા અને બૂમાબૂમ કરતા સ્થાનિક લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમે બોટ મારફતે જાંબુવા નદીમાં ધસમસતા પાણીમાં જઇને રેસ્ક્યૂ ઓપરેશન કરીને તેમને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા.દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત ઢાઢર નદીમાં સર્જાયેલી પૂરની સ્થિતિને પગલે ઢાઢર નદીના કિનારે આવેલા 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ ડંગીવાળા ગામના રોડ ઉપર પાણી ફરી વળતા વાહન-વ્યવહાર બંધ થઇ ગયો છે. દેવ ડેમના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઢાઢર નદીના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે. ઢાઢર નદીમાં સર્જાયેલી પૂરની સ્થિતિને ધ્યાનમાં લઇ ડભોઇ તાલુકાના ઢોલાર, કડાદરા, વાયદપુરા, ભીલાપુર, નવાપુરા, રાજલી, અંગુઠણ, થુવાવી તેમજ કરાલી સહિતના 16 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગામ લોકોને નદી કિનારે ન જવા માટે સુચના આપવામાં આવી છે. આ સાથે ગામોના તલાટીઓને ગામ ન છોડવા માટે સૂચના આપી દેવામાં આવી છે.આમ વડોદરા માં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવા ની શરૂઆત સાથે જ પુર ની સ્થિતિ ઉભી થઇ છે અને બપોર બાદ વરસાદ ચાલુ થતા પાણી ની આવક સતત વધી રહો રહી છે.
