વડોદરા માં કોરોના ની સ્થિતિ ગંભીર બની ગઈ છે અને શહેર ના પ્રતાપનગરની 13 વર્ષીય તનીખા અને નાગરવાડાના 58 વર્ષીય મહંમદ હનીફ પઠાણનું કોરોનાથી મોત થતા મૃતક ના પરિવારજનો માં આક્રંદ છવાયું છે. કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર લઇ રહેલા નાગરવાડા એક 58 વર્ષીય આધેડનું મંગળવારે સ્ટર્લિંગ હોસ્પિટલ માં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જયારે પ્રતાપનગરની 13 વર્ષીય કિશોરીનુંપણ કોરોનાના કારણે મોત થયું હતું. નાગરવાડાના દર્દીનો છ દિવસ અગાઉ એટલે કે 8 એપ્રિલે જ નમૂના લીધા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ ત્યારથી ઇલોરાપાર્ક વિસ્તારની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસથી વેન્ટિલેટર પર જ સારવાર લઇ રહ્યા હતા. વડોદરામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ દર્દીનો કુલ આંક 117 થઇ ગયો છે.
મંગળવારે નાગરવાડાના મહંમદ હનીફ પઠાણનું સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું હતું. તેમનો પુત્ર ઇસ્તિયાક ગોત્રી હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર તરીકે ફરજ બજાવતો હોવાથી તેમને ગોત્રી કેમ્પસમાં જ નિયમ મુજબ રાખવામાં આવ્યા હતા. તેથી તેઓ સંક્રમણનો ભોગ બન્યા ન હતા. આ અગાઉ તાંદળજાની એક વૃદ્ધા, નિઝામપુરાના વૃદ્ધ અને નાગરવાડાના એક યુવક કોરોના વાઇરસથી મૃત્યુ પામ્યાં હતાં.
24માંથી 2 પોઝિટિવ આવ્યાં
શહેરમાં મંગળવારે કોરોનાના વધુ નવ પોઝિટિવ કેસો જાહેર થતાં શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યાનો આંક સોમવારના 108થી વધીને 117 પર પહોંચી ગયો છે. મંગળવારે જે પોઝિટિવ કેસો જાહેર થયા તેમાં 3 ખોડિયાર માતાના ખાંચાના, એક નાગરવાડાનો અને એક ગોરવા પોલીસ સ્ટેશનની પાછળના વિસ્તારની મહિલાનો અને બે કારેલીબાગ આનંદનગર વિસ્તારના દર્દીઓનો સમાવેશ થાય છે. અગાઉ નિઝામપુરા, તાંદળજા, નાગરવાડા, આજવા રોડ, આનંદનગર (કારેલીબાગ), પાણીગેટ જેવા વિસ્તારોમાં કોરોના વાઇરસે દેખા દીધા બાદ હવે સાતમો નવો ગોરવા વિસ્તાર ઉમેરાયો છે. આ ઉપરાંત મોડી સાંજે નાગરવાડાના જ સાજીગ ઐયુબકર અબુજીવાલા (ઉવ.42)નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આમ અત્યાર સુધીના પોઝિટિવ કેસોની સંખ્યા 117 પર પહોંચી હતી. મંગળવારે વડોદરાના કુલ 24 નમૂનાઓનું કોરોના વાઇરસ માટે પૃથક્કરણ કરવામાં આવ્યું હતું. જેમાંથી બે પોઝિટિવ આવ્યા હતા. કોરોના એ નવા વિસ્તારો માં પણ દેખાવાનું શરૂ કરતાં તંત્ર ની ઉંઘ હરામ થઈ ગઈ છે લોકડાઉન હોવાછતાં નવા વિસ્તારમાં ચેપ પ્રસરતા તંત્ર માં મુંઝવણ વધી છે અને અમદાવાદ બાદ વડોદરા માં સ્થિતિ વણસી રહી હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.
