વડોદરામાં કડકડતી ઠંડીમાં ઘરમાં કોલસાની સગડી સળગાવી સુઈ ગયેલા દંપત્તિનું રાત્રે કોલસાના ધુમાડાથી સર્જાયેલા કાર્બન મોનોક્સાઈડને પગલે ગુંગળાઈ જતા મોત થયું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ ઘટનામાં પોલીસે એફએસએલની મદદ લેતા આ વિગતો ખુલી છે.
વડોદરાના છાણી પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ દશરથ ગામથી આજોડ રોડ ઉપર આવેલી કૃષ્ણ વિલાસ સોસાયટીના 88 નંબરના મકાનમાં વિનોદભાઈ સોલંકી અને ઉષાબેન સોલંકી રહેતા હતા.જયંત એગ્રો કંપનીમાં પાણી શુદ્ધિકરણ વિભાગમાં ઓપરેટર તરીકે નોકરી કરતા વિનોદભાઈ રવિવારે રજા હોવાથી શનિવારે રાત્રે ઠંડીમાં હુંફ મેળવવા માટે તગારામાં કોલસા સળગાવી તાપણું કરી સુઈ ગયા હતા. દરમિયાન કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ભણતો પુત્ર હાર્દિક અને અન્ય પુત્ર કરચિયા ખાતે આવેલી વૃંદાવન સોસાયટીના જૂના મકાનમાં રહેતા હતા તેઓએ રવિવારે સવારે 10:30 વાગે તેમના પુત્ર હાર્દિકે ફોન કરતા પિતાએ ફોન ઉઠાવ્યો ન હતો.
જેથી હાર્દિકે ભત્રીજા નીરવ પાસે ફોન કરાવ્યો હતો. બંને ભાઈઓના ફોન નહીં ઉઠાવતા આખરે તેઓ ઘરે પહોંચ્યા હતા.
નીચે બે રૂમ રસોડાનું અને ઉપર એક રૂમના મકાનમાં રસોડાઓની બારીમાંથી દરવાજો કેવી રીતે ખોલવાનો તે જાણતા હાર્દિકે દરવાજો ખોલી ઉપરના બેડરૂમ પર પહોંચ્યા હતા. જ્યા દરવાજો અંદરથી બંધ જણાતા દરવાજો થોડી અંદર જોતા માતા-પિતા મૃત હાલતમાં પડ્યા હતા.
આ ઘર હજુ હમણાંજ નવું ખરીદ્યું હોય વિનોદભાઈ અને તેમના પત્ની હમણાં હમણાં જ રહેવા આવ્યા હતા અને આવો કરૂણ બનાવ બન્યો હતો.
આ બનાવને પગલે મૃતકના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ગામડામાં લોકો આવી રીતે તગારામાં તાપણા કરતા હતા પણ ગામડાના મકાન નું બાંધકામ તે પ્રકારના હોય આવા બનાવો બનતા ન હતા પણ હવે નવા મકાનોમાં ગુગણામણ થવાના ચાન્સ હોય ઘરમાં આ રીતે તાપણું કરવું જોખમી છે.
આ ઘટના અંગે છાણી પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.