વડોદરામાં એક હાઈપ્રોફાઈલ કિસ્સો સામે આવ્યો છે જેમાં એરફોર્સ અધિકારીની પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી છે કે તેનો પતિ નપુંસક છે. લગ્ન પહેલા અને લગ્ન પછી પણ પતિએ તેની સાથે જુઠ્ઠુ બોલીને તેની નપુંસકતા છુપાવી હતી.
પત્નીનો આરોપ છે કે આટલું જ નહીં, પતિએ પોતાની નપુંસકતા છુપાવવા માટે તેને ઘરમાંથી ભગાડવા માટે હિંસાનો સહારો લીધો હતો.
વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે મારા પતિ વડોદરા એરફોર્સ બેઝ પર સ્ક્વોડ્રન લીડર છે અને તેઓ નપુંસકતાથી પીડાતા હતા, જે તેમણે લગ્ન પહેલા છુપાવી હતી અને લગ્ન પણ કર્યા હતા.
વડોદરા પોલીસે મહિલાની ફરિયાદના આધારે એરફોર્સ અધિકારી સામે ગુનો નોંધ્યો છે.
પત્નીનો આરોપ છે કે પતિ વારંવાર તેને શારીરિક હુમલા કરતો હતો અને 15 ફેબ્રુઆરીના રોજ તેણી પર હુમલો કરવા સાથે બુધવારે તેને ફરીથી માર મારતા આખરે મજબૂર બની ફરિયાદ નોંધાવી છે.
પત્નીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણે 2018માં એરેન્જ્ડ મેરેજ કર્યા હતા, પરંતુ જ્યારથી તે વડોદરા આવી છે ત્યારથી તેને હેરાન કરવામાં આવી રહી છે. પોલીસે આ કેસમાં મહિલાને હેરાન કરવા, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવા અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાની કલમો લગાવી છે. વડોદરાના હરણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.