શહેરના ફાયર બ્રિગેડ અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શનિવારે પાંચ ટીમ બનાવી સવારથી ટ્યૂશન ક્લાસનું આકસ્મિક ચેકિંગ હાથ ધરી ફાયર NOC વગરના 112 ક્લાસને સીલ મારવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડ સાથે MGVCLની મદદથી તમામ ક્લાસનાં વીજ જોડાણ કાપ્યાં હતાં.
ધો. 12 કોમર્સના રિઝલ્ટને દિવસે વિદ્યાર્થીઓ એડમિશન માટે લાઇન લગાવતા હોય છે.પરંતુ આજે આથી વિપરીત ટ્યૂશન ક્લાસસંચાલકો બદામડી બાગ ફાયર NOC માટે ફોર્મ ભરવા લાઇન લગાવેલા નજરે પડ્યા હતા. અગાઉ 152 ટ્યૂશન ક્લાસને માત્ર નોટિસ આપી સંતોષ માનનાર ફાયર બ્રિગેડે આજે વીજજોડાણ કાપતાં હડકંપ મચ્યો હતો.
પોલીસની ગાડી જોઇને ગુનેગાર ભાગે તેમ ફાયર બ્રિગેડની ગાડી જોઇને ટ્યૂશન ક્લાસ સંચાલકો શટર પાડીને ભાગતા હતા. જે પકડાયા તેમનાં ફાયર સાધનો ચેક કરાયાં હતાં.ફાયર સાધનો હોવા છતાં NOC ના લીધી હોય તેમને વીજજોડાણ કાપી NOC લેવા સૂચન કરાયાં હતાં. જ્યારે કેટલાક સંચાલકો તાળાં મારી રવાના થઇ જતાં દીવાલ પર નોટિસ લગાવી હતી. આ સાથે ક્લાસ રૂમ જો સાંકડો હોય અને વેન્ટિલેશન યોગ્ય ન હોય તો જરૂરી ફેરફાર કરવા આદેશ કરાયો હતો.