વડોદરા શહેરમાં રોજના બહારના રાજ્યોમાંથી 7000 કિલો નકલી પનીર ઠલવાઇ રહ્યું છે અને લોકો આરોગી રહ્યાનો ધડાકો કરી રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર અને નકલી પનીર સામે અવાજ ઉઠાવનાર વડોદરાના પનીરના મેન્યુફેક્ચરિંગ યુનિટનાજ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પાલિકાએ હાથ ધરતા આ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યું છે.
વડોદરાના શ્રી સાંઈનાથ મિલ્ક સપ્લાયર, અમૃતમ ફૂડ પ્રોડક્ટ્સ અને દ્વારકેશ ડેરીના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં બહારના રાજ્યોમાંથી રોજના 7000 કિલો જેટલું આવતું પનીર નકલી હોવાની દલીલ સાથે પનીરના ઉત્પાદન એકમોના વેપારીઓએ પત્રકાર પરિષદ યોજી તંત્રને કાર્યવાહી કરવા અપીલ કરી હતી.
દરમિયાન આ નકલી પનીરનો મામલો મીડિયામાં આવતા સ્થાનિક ખોરાકી શાખાએ નકલી પનીર બહારથી આવતું હોવાનો દાવો કરનાર વેપારીઓને ત્યાં જ ચેકિંગ કર્યું હતું.
સાંઈનાથ મિલ્ક સપ્લાયર, અમૃતમ ફૂડ પ્રોડક્ટ, દ્વારકેશ ડેરી સામે કાર્યવાહી થઈ છે.
નકલી પનીર સામે અવાજ ઉઠાવનાર પનીરના મેન્યુફેક્ચરિંગ યુનિટના લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ટીમે ડભોઈ રોડ પર એમ.એમ.વોરા શોરૂમ સામે ગિરીરાજ રેસિડેન્સીમાં શ્રી સાંઈનાથ મિલ્ક સપ્લાયરને ત્યાં તપાસ કરી 5 મે અને 8 જૂને નમૂના લીધા હતા. તેવી રીતે વડસર બ્રિજ નજીક વૈકુંઠધામ સોસાયટીમાં અમૃતમ ફૂડ પ્રોડક્ટ્સમાંથી 27 એપ્રિલ, 4 મે અને 8 જૂને નમૂના લઇ લેબોરેટરીમાં મોકલતાં તમામ નમૂના સબ સ્ટાન્ડર્ડ જણાયા હતા. વારંવાર નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતાં બંને વેપારીના લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં છે. તેવી જ રીતે વાઘોડિયા રોડની શ્રી દ્વારકેશ ડેરી ખાતે દરોડા પાડી પનીરની જગ્યાએ વેચાતા ચીઝ એનાલોગને ઝડપ્યું હતું. તપાસ બાદ નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં શ્રી દ્વારકેશ ડેરીનું પણ લાઇસન્સ સસ્પેન્ડ કર્યું છે.
બીજી તરફ ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમે મહાવીર હોલ, ઉમા ચાર રસ્તા, ખોડિયાર નગર, ન્યૂ સમા રોડ, એલએન્ડટી સર્કલ સહિતના વિસ્તારોમાં 4 ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ, 10 રેસ્ટોરન્ટ અને 7 ડેરી યુનિટમાં ચેકિંગ કર્યું હતું. જેમાંથી પનીરના 11 નમૂના લેબોરેટરીમાં મોકલ્યા હતા. જોકે 21 રેસ્ટોરન્ટ, ડેરી પૈકી 3 બિઝનેસ ઓપરેટરો લાઇસન્સ ધરાવતા ન હોવાથી એકમો બંધ કરાયા હતા. 15 ફૂડ બિઝનેસ ઓપરેટરોને સ્વચ્છતા જાળવવા નોટિસ ફટકારી હતી. ઉપરાંત પદ્માવતી શોપિંગ સેન્ટરમાં જય હિન્દ હોટલ, ન્યૂ લારીલપ્પા હોટલ તેમજ આજવા રોડના કામચી ભવન અને અમૃતસરી કુલચા કિંગ, છાણી રોડની કિરણ ફુડ્ઝ, સમા-સાવલી રોડ પર હરિઓમ કાઠીયાવાડી એન્ડ પંજાબી ફાસ્ટ ફૂડને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી હોવાની વિગતો સામે આવી છે.