વડોદરામાં પાદરા-ડભાસા રોડ પર આવેલી એક પરફ્યુમ બનાવતી કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નિકળી હતી. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ હતી. કંપનીમાં પરફ્યુમ બનાવવા માટે આલ્કોહોલ, હાઇડ્રોજન ગેસ અને એલપીજી ગેસના પ્લાન્ટ આવેલા હતા. આલ્કોહોલ અને હાઈડ્રોજન ગેસમાં કોઈ કારણસર આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનો પૂરતા પ્રમાણમાં અને કાર્યરત અવસ્થામાં નહીં હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડના અધિકારીઓનું માનવું છે કે, જો કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનો યોગ્ય રીતે કામ કરતા હોત તો આગે આટલું ભયંકર સ્વરૂપ ધારણ ન કર્યું હોત. ઘટનાને પગલે પાદરા- ડભાસા રોડ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
જોત-જોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આગ લાગ્યાની ઘટનાને સાત કલાક થઈ ચૂક્યા હોવા છતા પણ આગ કાબૂમાં આવી શકી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફાયરબ્રિગેડની ૩૦થી વધુ ગાડીઓ કાર્યરત છે. આગ પર કાબૂ મેળવવા પાણી ખૂટી જતા બહારથી બીજુ પાણી મંગાવવાની ફરજ પડી હતી. વડોદરા પોલીસ અને મામલતદારના અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર છે.