બદલાની ભાવનાથી પીડિતા ન્યુરોસર્જન ડો. યશેષ દલાલે સોમવારે સાંજે પોતાના મોબાઈલ ફોનમાં વોટ્સઅપ સ્ટેટસ પર ફિઝિયોથેરાપીસ્ટ યુવતીના ન્યૂડ ફોટો મૂકી વાઈરલ કરી દેતાં વડોદરામાં ભૂકંપ સર્જાયો છે. યુવતીને તેની બહેનપણીએ ડો. દલાલે ફોટા મુક્યા હોવાની જાણ કરી હતી.
પીડિતા પોલીસ સ્ટેશનમાં બૂમો પાડી કહી રહી હતી કે, ડો. દલાલે મારા ફોટા વાઈરલ કરવાની ધમકી આપી છે, તેમ છતાં પોલીસે તેની વાત કાને નહીં ધરતાં આજે યુવતીની પણ ઈજ્જત લૂંટાઈ ગઈ હતી. હદ તો એ છે કે, જેપી રોડ પોલીસ સ્ટેશનની ઉપર જ એસીપી એ.વી.રાજગોર બેસે છે, તેમની સાથે ડીસીપી રાજન સુસરાએ પણ આ ચકચારી ઘટનામાં આંખ આડા કાન કરતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.
ડો. યશેષ દલાલનો અસલી ચહેરો ત્યારે સામે આવ્યો હતો,જ્યારે તેણે યુવતીની અન્ય ફિઝિયોથેરાપિસ્ટ બહેનપણી પર દાનત બગાડી. ડો. યશેષ દલાલ યુવતીને કહેતો હતો કે, તારી સ્લીવ લેસ બ્લાઉઝવાળી બહેનપણી બહુ ક્યુટ દેખાય છે, તે મને બહુ ગમે છે, તેની સાથે મારી મુલાકાત કરાવ, પરંતુ ડો. દલાલનો બદઈરાદો જાણી ગયેલી યુવતીએ તેની બહેનપણીની મુલાકાત કરાવી ન હતી.
ડો. દલાલે યુવતીને તેની બહેનપણીને પોતાની હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે નોકરી પણ આપવાની લાલચ આપી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે, ડોક્ટરે યુવતીને કરેલા મેસેજમાં એવું પણ લખ્યું હતું કે, દર્દીઓને સંતોષ આપવાની સાથે ડોક્ટરને પણ સેટિફેક્શન આપે. આ મેસેજ જ ડો. દલાલની હલકી માનસિકતાનો પરિચય કરાવે છે. આવા કેટલાય અભદ્ર મેસેજ ડો. દલાલે યુવતીને કર્યા હતા, તો સામે છેડે યુવતીએ પણ તેનો પત્યુત્તર આપ્યો હતો.
અકોટામાં સૃષ્ટિલ હોસ્પિટલ ધરાવતાં ડો. યશેષ દલાલ વિરુદ્વ ફરિયાદ નોંધાવવા માટે ફિઝિયોથેરાપીસ્ટ યુવતી છેલ્લા ચાર દિવસથી ગોત્રી અને જેપી રોડ પોલીસ મથક વચ્ચે અટવાઈ રહી છે. દરમિયાન રવિવારે જેપી રોડ પોલીસે યુવતીની અરજી એડમીટ કર્યા બાદ તેનું સ્ટેટમેન્ટ લીધું હતું, પરંતુ ગુનો દાખલ કર્યો ન હતો. યુવતીએ પોલીસને આપેલી લેખિત ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, ડો. યશેષ દલાલે મને એવી ધમકી આપી હતી કે, હું બોલાવું ત્યારે નહીં આવે તો મારી પાસે તારા પિકચર્સ અને ચેટીંગ મોબાઈલ ફોનમાં સેવ રાખ્યા છે, તે જાહેર કરી દઈશ.
યુવતીએ વ્યક્ત કરેલી આ દહેશત સાચી ઠરી હતી. હલકી માનસિકતા ધરાવતાં ડો. દલાલે સોમવારે સાંજે તેના મોબાઈલ ફોનમાં વોટ્સઅપ સ્ટેટસ પર યુવતીના ન્યુડ ફોટા મુકી દીધા હતા. જેનાથી યુવતી બિલકુલ અજાણ હતી, પરંતુ સાંજે તેની બહેનપણીએ યુવતીને ફોન કરી કહ્યું કે, ડો. યશેષ દલાલે તારા ખરાબ ફોટા તેમના સ્ટેટસ પર મુક્યા છે, જે મેં જોયા છે.
આ વાત સાંભળતાં જ યુવતીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પોતાના ફોટા વાઈરલ થઈ જતાં યુવતી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી અને એક મહિલા વકીલની મદદથી જેપી રોડ પોલીસ મથકે પહોંચી હતી. યુવતીએ તમે ફરિયાદ દાખલ ન કરી તેના કારણે મારી બદનામી થઈ છે, તેમ કહી પોલીસની કાર્યવાહીને લઈ ગંભીર આક્ષેપ કર્યા હતા. આ બનાવને લઈ પોલીસ અધિકારીઓ પણ ડઘાઈ ગયા હતા. તેમણે યુવતીને શાંત કરી તાબડતોબ તેની ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી.