વડોદરાના સયાજીબાગ ઝૂમાં ગઇકાલે રાત્રી દરમિયાન નર અને માદા હિપ્પોપોટેમસ વચ્ચે અથડામણની ઘટનામાં નર હિપ્પો ઘાયલ થયો હોવાનો કિસ્સો બન્યો હતો. અલગ અલગ એન્ક્લોઝરમાં રાખવામાં આવેલા હિપ્પો રાત્રી દરમિયાન ફેન્સિંગ તોડીને ભેગા થયા હતા. જે દરમિયાન થયેલા ઘર્ષણમાં ઘવાયેલા હિપ્પોનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ.
![]() |
સૂત્રોના જણાવ્યા અનુસાર સયાજીબાગમાં ચુન્નુ નામનો નર અને ડિમ્પી નામની માદા હિપ્પોપોટેમસ રાખવામાં આવ્યા છે. આ બંન્નેને અલગ અલગ એન્ક્લોઝરમાં રાખવામાં આવ્યા છે. ગત તારીખ ૮મી જાન્યુઆરીના રોજ જેનો જન્મ થયો હતો તે બચ્ચા તથા માદા હિપ્પોને અલગ રાખવામાં આવ્યા છે. ગઇકાલે રાત્રી દરમિયાન માદા હિપ્પો ફેન્સીંગ તોડીને નર હિપ્પોની પાસે પહોંચી ગઇ હતી. ત્યાર બાદ નર હિપ્પો અને માદા હિપ્પો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં નર હિપ્પો ઘાયલ થયો હતો. આ અંગેની આજે સવારે સયાજીબાગના કર્મચારીઓને જાણ થતાં તેઓએ તાત્કાલીક ઝુ ક્યુરેટર તથા વેટરનરી ડોક્ટર્સને જાણ કરી હતી. જેના પગલે વેટરનરી ડોક્ટર્સ ટીમ સાથે સ્થળ પર દોડી ગયા હતા. ટીમ દ્વારા નર હિપ્પોને સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.
સયાજીબાગ ઝૂના ક્યુરેટર પ્રત્યુશ પાટણનગર જણાવ્યા અનુસાર, માદા હિપ્પો અને તેનું બચ્ચાને કંઇ થયુ નથી. માત્ર નર હિપ્પોને પાછળના પગે ઇજાગ્રસ્ત થયો હતો. હાલ અમે તેને સારવાર આપી હતી. આ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યુ હતુ.
માદા હિપ્પોએ કરેલા હુમલા બાદ ઇજાગ્રસ્ત નર હિપ્પોને સારવાર આપવા માટે ક્રેઇનની મદદ લેવી પડી હતી. થોડા મહિના પહેલા જ કુતરાઓએ કાળીયાર છ હરણને ફાડી ખાધા હતા. ત્યારે પણ સયાજીબાગ ઝૂની સુરક્ષા સામે અનેક સવાલ ઉભા થયા હતા.