વડોદરાની એમ એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં તા. 5 જાન્યુઆરીથી શરૂ થનારી ટીવાયની એન્ડ સેમિસ્ટર પરીક્ષા હવે લેવામાં નહિ આવે.
અગાઉ પણ તારીખો જાહેર કરી દેવામાં આવી પણ કોઇ પ્રક્રિયા જ કરવામાં આવી નથી.
કોમર્સ ફેકલ્ટીમાં સત્ર સમયસર ચાલી રહ્યું નહી હોવાથી વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે.
કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા મોટા ઉપાડે પરીક્ષાઓની જાહેરાતતો કરી દેવામાં આવી પણ પરીક્ષાનું શિડ્યૂલ ગોઠવવામાં નહિ આવતા, હવે પરીક્ષા 15 જાન્યુઆરી બાદ લેવામાં આવનાર હોવાનું સુત્રોનું કહેવું છે.
જોકે હજુ સુધી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી નથી. 5 જાન્યુઆરીથી એફવાય બીકોમની મીડ સેમિસ્ટરની પરીક્ષા તથા એમકોમ પ્રિવિયસની મીડ સેમિસ્ટર પરીક્ષાઓનો પ્રારંભ થનાર છે.
જેના માટે બેઠક વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ટીવાય બીકોમની મીડ સેમિસ્ટર પરીક્ષા જેમણે નથી આપી તેમના માટે એરિયર ટેસ્ટ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે તે અંગેની પણ કોઇ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.