વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢથી સીધા વડોદરા આવી પહોંચ્યા હતા જ્યાં એરપોર્ટ પર તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી તેઓ લેપ્રસી મેદાન પહોંચ્યા હતા, જ્યાં ઉભા કરાયેલા ડોમમાં તેમણે ખુલ્લી જીપમાં બેસીને ઉપસ્થિત જનતાનું અભિવાદન ઝીલ્યું હતું.
મોદીનો કાફલો એરપોર્ટ પરથી નીકળ્યા બાદ વરસાદ શરૂ થઇ ગયો હતો. મોદીજી એ પોતાના પ્રવચનમાં વડોદરાની શાસ્ત્રી પોળ,રાવપુરા,સહિત, ડભોઇ,પાદરાને ફરી એકવાર યાદ કરી અહીંની ભાખરવડી,લીલો ચેવડો અને જુના સ્મરણો વાગોળ્યા હતા.
PM મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે આજનો દિવસ મારા માટે માતૃ વંદનાનો દિવસ છે, આજે સવારે જન્મદાત્રી માના આશીર્વાદ લીધા, ત્યાર બાદ જગતજનની મા કાલીના આશીર્વાદ લીધા અને આજે માતૃશક્તિનાં વિરાટ દર્શન કરી તેમના આશીર્વાદ લીધા છે.
મેં માતાજી પાસે દેશવાસીઓની સુખશાંતિ અને સમૃદ્ધિની કામના કરી છે. મને ખુશી છે કે સંસ્કારનગરી વડોદરાથી 21 હજાર કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયાં છે.
21મી સદીના વિકાસ માટે મહિલાઓનો વિકાસ અને સશક્તીકરણ ખૂબ જ જરૂરી છે. અમારી સરકારે મહિલાઓ માટે પસંદગીનું કામ કરવા માટે દ્વાર ખોલી દીધા છે.
હુ ખુશનસીબ છું કે મને માતા અને બહેનોની સેવા કરવાનો મોકો મળ્યો છે, હું તમામને અભિનંદન આપું છું.
વડોદરા સંસ્કારની નગરી છે, આ શહેર તમામ લોકોને તક આપે છે, આ શહેરે ક્યારેક મને પણ સાચવ્યો હતો. મારું પણ લાલનપાલન કર્યું હતું
વડોદરા આવો એટલે બધું જૂનું આવે જ ભાઈ, વડોદરાએ મને બાળકને મા સાચવે એ રીતે સાચવ્યો છે, વડોદરાનું મારા જીવનમાં યોગદાન ક્યારેય ન ભૂલી શકું,2014માં લોકસભા ચૂંટણી લડ્યો ત્યારે વડોદરાના નવનાથ અને કાશી વિશ્વનાથ મંદિરમાં મને આશીર્વાદ મળ્યા હતા.
મુદ્રા લોન લેનારાઓમાં 70 ટકા મારી બહેનો છે, આ ડબલ એન્જિનની સરકારનો લાભ છે, જેમાં ચારેય તરફ વિકાસ થઇ રહ્યો છે.
તેઓએ ઊમેર્યુ કે રેલવે કનેક્ટિવિટી માટે 16 હજાર કરોડ રૂપિયા આજે વડોદરાને મળ્યા છે, તેઓએ પોતાના ખાસ અંદાજમાં કહ્યુ જે તમારે અહીં વડોદરામાં તો લીલા લહેર છે, મહેમાન આવે તો પાવાગઢમાં મા કાલી પાસે લઇ જવાના, કેવડિયા લઇ જવાના, દુનિયાવાળાને ખબર પડે અમે કેટલા આગળ નીકળી ગયા છીએ. આ વડોદરાવાળાને તો પાંચેય આંગળીઓ ઘીમાં છે બાપા.
ગુજરાતમાં બે નવાં ગ્રીન એરપોર્ટની તૈયારી ચાલી રહી છે વડોદરાને સ્માર્ટ બનાવવા માટે 25 પ્રોજેક્ટ મંજૂર થયા છે, જેમાંથી 16 પ્રોજેક્ટ પૂર્ણ થઇ ગયા છે
આ દેશની પહેલી રેલવે યુનિવર્સિટી, એ પણ વડોદરામાં અને ગતિ યુનિવર્સિટી તરીકે એનો વિસ્તાર પણ વડોદરામાં થઇ રહ્યો છે વગરે જણાવ્યું હતું.
અભેધ સુરક્ષા કવચ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લેપ્રસી મેદાનમાં પાંચ જિલ્લામાંથી આવનારા લોકોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન આ સભામાં 21 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનાં લોકાર્પણ-ખાતમુર્હૂત કર્યા હતા.
આમ,દિવસભર મોદીજી છવાયેલા રહયા હતા.