વડોદરામાં વારસીયા પોલીસે કળિયુગના કંસ મામાની ધરપકડ કરી છે. છેલ્લા એક વર્ષથી સગો મામો 13 વર્ષની ભાણી સાથે રોજ રાતે દુષ્કર્મ આચરતો હોવાની વિગતો સામે આવી છે. વડોદરાના પૂર્વ વિસ્તારમાં રહેતી 13 વર્ષીય માસૂમ બાળકી મુળ અમદાવાદની રહેવાસી છે. બાળકીને સારૂ ભણતર અપાવવા કળયુગનો કંસ મામો વડોદરા પોતાના ઘરે લઇ આવ્યો હતો. જોકે છેલ્લા એક માસથી બાળકી તેની દાદીને પેટમાં દુખાવો થતો હોવાની ફરીયાદ કરતી હતી.
જેથી આજે તેણીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. હોસ્પિટલના ગાયનેક વોર્ડના તબીબોએ બાળકીના પેટમાં તપાસ કરતા 20 અઠવાડીયાનો ગર્ભ હોવાનુ બહાર આવ્યું હતું. સગીર વયની બાળકી ગર્ભવતિ હોવાની ઘટનાને પગલે તબીબો દ્વારા વારસીયા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે મામલાની ગંભીરતાથી નોંધ લેઇને તપાસ શરૂ કરી છે.