વડોદરામાં કોરોના કેસોની સંખ્યામાં આવેલા ઉછાળા વચ્ચે શહેરમાં તાલીમ લઈ રહેલા ટ્રાફિક બ્રિગેડના યુવક-યુવતીઓ પણ કોરોનાના સપાટામાં આવી ગયા છે.મળતી વિગતો પ્રમાણે હાલમાં વડોદરા શહેરના ભૂતડીઝાંપા ખાતે ટ્રાફિક બ્રિગેડમાં સામેલ થનારા યુવક અને યુવતીઓનો એક ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે.આ તાલીમ એક મહિના સુધી ચાલનાર છે. જેમાં વડોદરા સહિત મધ્ય ગુજરાતના લગભગ ૩૨૯ તાલીમાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.તેમને રહેવા માટેની વ્યવસ્થા કાલુપુરા વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી હોલ અને લાલબાગ અતિથિ ગૃહ ખાતે કરવામાં આવી છે.તેમની તાલીમના ૧૫ દિવસ પૂરા થયા છે. સૂત્રોનુ કહેવું છે કે, આ દરમિયાન કેટલાક તાલીમાર્થીઓમાં કોરોનાના લક્ષણ જોવા મળતા તેમના આજે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૩૦ તાલીમાર્થીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. આ પૈકી ૧૯ યુવકો અને ૧૧ યુવતીઓનો સમાવેશ થાય છે. જેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે તેમને આઈસોલેટ કરવામાં આવ્યા છે.
