વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી મંદિર તારીખ 10 એપ્રિલથી 12 એપ્રિલ સુધી ત્રણ દિવસ બંધ રહેશે. વડોદરા શહેર-જિલ્લામાં કોરોના મહામારીનું સંક્રમણ ઉતરોતર વધી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટની તાકીદની વિડિયો કોન્ફરન્સથી બેઠક મળી કરી હતી. કોરોના મહામારીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ તરફથી સ્વૈચ્છિક રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે, તારીખ 10, 11 અને 12 એમ ત્રણ દિવસ વિશ્વનું એકમાત્ર કુબેર ભંડારી મંદિર બંધ રાખવામાં આવશે. સંક્રમણ વધે નહીં અને ભક્તોના હિતને ધ્યાનમાં રાખી લોક હિતમાં આ નિર્ણય કર્યો છે. કુબેર ભંડારીના દર્શન ઓનલાઇન ચાલુ રાખવામાં આવ્યા છે, જેની ભક્તોએ નોંધ લેવા વિનંતી છે. વડોદરાના દવા વિક્રેતાઓને કોરોનાની સારવાર માટે મહત્વના ગણાતા રેમડેસિવીર ઇન્જેક્શનના 5462 નંગ પૂરા પાડવામાં આવ્યા છે. આ જાણકારી રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવને તંત્ર દ્વારા આપવામાં આવી હતી. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 30,326 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 4682, પશ્ચિમ ઝોનમાં 5333, ઉત્તર ઝોનમાં 6094, દક્ષિણ ઝોનમાં 5729, વડોદરા ગ્રામ્યમાં 8452 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.
