ગોરવા કરોડિયા વિસ્તારમાંથી 27 વર્ષીય મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન અભયમને ફોન કરીને જણાવ્યું હતું કે પોતે કોરોનાગ્રસ્ત હોવા છતાં પતિ ત્રાસ આપે છે. મહિલાનો ફોન આવતાં જ મહિલા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક પહોંચી હતી. એક સંતાનની માતા એવી આ મહિલાએ હોમ ક્વોરન્ટીન અવસ્થામાં અભયમને જણાવ્યું હતું કે તે કોરોનાનો ભોગ બની છે અને પોતાના ઘરમાં એક રૂમમાં તે અલગથી રહે છે છતાં તેનો પતિ તેની સાથે સતત જાતીય સંબંધ બાંધવા દબાણ કરી રહ્યો છે. પોતે બીમાર હોવાથી ઇન્કાર કરતાં પતિ ઉશ્કેરાયો હતો અને માર મારી કોરોનાગ્રસ્ત પત્નીને ઘરની બહાર નીકળી જવા દબાણ કર્યું હતું. અભયમની ટીમે પતિનું કાઉન્સેલિંગ કરી સમજાવ્યો હતો કે પત્ની જાતે જ ક્વોરન્ટીન થયેલાં છે ત્યારે તેમને ખલેલ ન પહોંચાડી ઝડપથી સાજા થાય એવી કાળજી લેવી જોઇએ. પતિને તેની ભૂલ સમજાઇ હતી અને હવે આવી ભૂલ નહીં કરે એવી ખાતરી આપી હતી, જેથી મહિલાને પણ રાહત થઇ હતી . પોતાની 27 વર્ષીય પત્નીએ જાતીય સંબંધની માગણી ઠુકરાવી દેતાં પતિ ઉશ્કેરાયો હતો અને તેને માર મારી ઘરમાંથી બહાર નીકળી જવા અને છૂટાછેડા આપી દેશે તેવી ધમકી આપી હતી. મહિલાએ પતિને ક્વોરન્ટીન અવસ્થામાં રહીને સમજાવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો પણ પતિ માન્યો ન હતો, જેથી આખરે મહિલાએ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનની મદદ માગી હતી.
