વડોદરા પાસે આવેલા સોખડાના ફાર્મહાઉસ પર મિત્રો સાથે દારૂ અને નોનવેજની પાર્ટી કર્યા બાદ યુવતીને પરત ઘરે મૂકવાના બહાને પાદરાના પૂર્વ કોર્પોરેટરે ચાલુ કારમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. પૂર્વ કોર્પોરેટરે યુવતીને કહ્યું હતું કે ‘તું બધા સાથે શરીર સંબંધ બાંધે છે, તો મારી સાથે કેમ નહીં. યુવતીની ફરિયાદના આધારે પોલીસે બળાત્કાર અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે. વડોદરા શહેર નજીક પાદરા ગામે રહેતી 25 વર્ષીય યુવતી વૈશાલી પટેલ( નામ બદલ્યું છે) વડોદરાના ખાનગી મોલમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 26 એપ્રિલના રોજ તેના મિત્ર શિવમ ગાંધીએ ફોન કરી જણાવ્યું હતું કે રાત્રે સોખડા ગામે આવેલા ભૂમિત અતિમભાઈ પટેલના ફાર્મહાઉસ ઉપર દારૂ અને નોનવેજની પાર્ટી રાખી છે, જેથી આપણે બધા મિત્રો ભેગા થવાના છે. વાત જાણ્યા બાદ વૈશાલી પાર્ટીમાં જવા રાજી થઈ હતી અને યુવતી નોકરી પરથી છૂટીને પોતાનું એક્ટિવા લઇને સોખડા ફાર્મ પર પહોંચી હતી. ભાવેશ વૈશાલી સાથે કારમાં પરત પાદરા જવા નીકળ્યો હતો. એ સમયે ભાવેશે અંતરિયાળ રસ્તા ઉપર કાર ઊભી રાખતાં વૈશાલીને અજુગતું થવાની શંકા જતાં તેના મિત્રોને ફોન કરી જણાવ્યું હતું, જેથી ઉશ્કેરાયેલા ભાવેશે જણાવ્યું હતું કે તને મારા પર ભરોસો નહીં ને હવે હું તારી સાથે શારીરિક સંબંધ બાંધીને જ રહીશ અને કાર બિલ તરફ લઈ જઇ ચાલુ કારમાં છાતીના ભાગે અડપલાં કરી તું બધા સાથે શરીર સંબંધ બાંધે છે, તો મારી સાથે કેમ નહીં તેમ કહી છાતીના ભાગે મુક્કો માર્યો હતો. દરમિયાન ગાડી ઊભી રાખી વૈશાલીને નિર્વસ્ત્ર કરીને બળાત્કાર કર્યો હતો. જોકે એ સમયે યુવતીના મિત્રએ ફોન કરી પોલીસ ફરિયાદની વાત કરતાં ગભરાયેલો ભાવેશ વૈશાલીને પરત પાદરા મૂકી નાસી છૂટ્યો હતો. ભાવેશ માથાભારે હોવાથી વૈશાલીએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, પરંતુ મિત્રએ હિંમત આપતાં યુવતીએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
