વૈભવ સૂર્યવંશીના જન્મ પહેલા જેણે ડેબ્યૂ કર્યું હતું, આજે એ દિગ્ગજ સામે થશે ટક્કર
ક્રિકેટના મેદાનમાં ઘણીવાર અનુભવ અને યુવાની વચ્ચે જંગ જોવા મળતો હોય છે, પરંતુ આજે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં જે થવા જઈ રહ્યું છે તે ઈતિહાસના પાનાઓમાં નોંધાશે. આજે સાંજે જ્યારે રાજસ્થાન અને દિલ્હીની ટીમો આમને-સામને હશે, ત્યારે એક તરફ 15 વર્ષનો ઉગતો સિતારો વૈભવ સૂર્યવંશી હશે અને બીજી તરફ વિશ્વનો સૌથી ઘાતક ડાબોડી ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક હશે. આ મુકાબલો માત્ર બે ખેલાડીઓ વચ્ચેનો નથી, પણ બે અલગ-અલગ પેઢીઓ વચ્ચેનો છે.
વૈભવ સૂર્યવંશી: નાની ઉંમર, મોટું નામ
બિહારના વતની અને માત્ર 15 વર્ષની ઉંમરે આખા ભારતને પોતાની બેટિંગથી ઘેલું લગાડનાર વૈભવ સૂર્યવંશી આજે ફરી એકવાર એક્શનમાં જોવા મળશે. 27 માર્ચ, 2011 ના રોજ જન્મેલા વૈભવે તાજેતરમાં જ પોતાનો 15મો જન્મદિવસ ઉજવ્યો છે. આ તેની આઈપીએલની બીજી સીઝન છે અને અત્યાર સુધીમાં તેણે જે રીતે બેટિંગ કરી છે, તે જોઈને દિગ્ગજ ક્રિકેટરો પણ દંગ રહી ગયા છે.
વૈભવની ખાસિયત એ છે કે તે સામે બોલર કોણ છે તે જોતો નથી, તે માત્ર બોલની લેન્થ જુએ છે. અત્યાર સુધીની આ સીઝનમાં વૈભવનું પ્રદર્શન અદભૂત રહ્યું છે. તેણે 9 મેચોમાં 400 રન ફટકાર્યા છે અને હાલમાં તે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાને છે. તેની 44.44ની સરેરાશ અને 238.10નો તોફાની સ્ટ્રાઈક રેટ તેની આક્રમકતાની સાક્ષી પૂરે છે. આ સીઝનમાં સૌથી વધુ 37 સિક્સર ફટકારીને તે સિક્સર કિંગની યાદીમાં પણ ટોચ પર છે.
મિચેલ સ્ટાર્ક: અનુભવનું ભાથું અને વાપસીની તૈયારી
બીજી તરફ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર મિચેલ સ્ટાર્ક છે. સ્ટાર્કની ઓળખ તેના સચોટ યોર્કર અને ભયાનક ગતિ છે. દિલ્હી કેપિટલ્સની ટીમમાં સામેલ સ્ટાર્ક અત્યાર સુધી ફિટનેસના કારણોસર મેદાનની બહાર હતો, પરંતુ હવે તેને ફિટ જાહેર કરવામાં આવ્યો છે અને તે આજની મેચમાં રમતા જોવા મળી શકે છે.
રસપ્રદ વાત એ છે કે મિચેલ સ્ટાર્કે જ્યારે ઓક્ટોબર 2010માં પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું, ત્યારે વૈભવ સૂર્યવંશીનો જન્મ પણ થયો નહોતો. સ્ટાર્કનો જન્મ 1990માં થયો છે અને આજે તે 36 વર્ષનો છે. એટલે કે, જ્યારે સ્ટાર્ક વિશ્વના મોટા-મોટા બેટ્સમેનોના સ્ટમ્પ ઉખેડતો હતો, ત્યારે વૈભવ આ દુનિયામાં આવ્યો પણ નહોતો. આ આંકડો જ બતાવે છે કે આ ટક્કર કેટલી અનોખી રહેવાની છે.
કેવો રહેશે આ ‘મહા-મુકાબલો’?
ક્રિકેટપ્રેમીઓ આતુરતાથી એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે મિચેલ સ્ટાર્ક રન-અપ લેશે અને સામે સ્ટ્રાઈક પર વૈભવ સૂર્યવંશી હશે. શું 15 વર્ષનો આ છોકરો સ્ટાર્કની 145+ કિમીની ઝડપે આવતા બોલને બાઉન્ડ્રીની બહાર મોકલી શકશે? કે પછી સ્ટાર્કનો અનુભવ વૈભવની આક્રમકતા પર ભારે પડશે?
વૈભવ અત્યાર સુધી ડર્યા વગર રમ્યો છે. તેણે ઇન્ટરનેશનલ કક્ષાના અનેક બોલરોની લાઇન અને લેન્થ બગાડી નાખી છે. અભિષેક શર્મા જેવા વિસ્ફોટક બેટ્સમેનોને પાછળ છોડીને સૌથી વધુ સિક્સર મારનાર વૈભવ આજે જો સ્ટાર્ક સામે પણ એ જ અંદાજમાં રમશે, તો તે તેના કરિયરની સૌથી મોટી સિદ્ધિ ગણાશે.
આંકડાઓની નજરે વૈભવનું વર્ચસ્વ
- મેચ: 9
- રન: 400
- એવરેજ: 44.44
- સ્ટ્રાઈક રેટ: 238.10
- સિક્સર: 37 (સીઝનમાં સૌથી વધુ)
જ્યારે સામે મિચેલ સ્ટાર્ક પાસે વર્ષોનો અનુભવ, વર્લ્ડ કપ જીતવાનો આત્મવિશ્વાસ અને સ્પીડ છે. સ્ટાર્કે 2011ના અંતમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને 2012માં ટી20 ડેબ્યૂ કર્યું હતું. એટલે કે વૈભવ જ્યારે ઘોડિયામાં હશે અથવા ચાલતા શીખતો હશે, ત્યારે સ્ટાર્ક વિશ્વ ક્રિકેટમાં પોતાનું નામ બનાવી ચૂક્યો હતો.

