સાયબર ગુનેગારો પર વલસાડ પોલીસનો ‘સર્જિકલ સ્ટ્રાઈક’: SOG ટીમને મળી મોટી સફળતા!

3 Min Read

વલસાડમાં આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડનો પર્દાફાશ: કેનેડિયન નાગરિકોને લૂંટતી ટોળકી જેલના સળિયા પાછળ

ગુજરાત પોલીસ અત્યારે સાયબર ગુનેગારો સામે આરપારની લડાઈ લડી રહી છે. આ લડાઈમાં વલસાડ એસ.ઓ.જી. (SOG) ટીમને એક મોટી અને ઐતિહાસિક સફળતા મળી છે. વલસાડના ડુંગરા વિસ્તારમાં આવેલા એક પોશ બંગલામાં ‘ધ મિડનાઈટ ક્લબ’ના નામે ચાલતું આંતરરાષ્ટ્રીય કૌભાંડ પોલીસના દરોડા બાદ ખુલ્લું પડી ગયું છે. આ ઠગ ટોળકી કેનેડાના નાગરિકોને પોતાના નિશાન બનાવીને લાખોની છેતરપિંડી આચરી રહી હતી.

કેમ પસંદ કર્યો ડુંગરાનો બંગલો?

સાયબર ગુનેગારો હવે પોતાની ઓળખ છુપાવવા માટે રિણાકીય વિસ્તારોના બંગલાઓને પસંદ કરી રહ્યા છે. ડુંગરાના હરિયા પાર્કમાં આવેલા એક આલિશાન બંગલામાં આ આખી સિસ્ટમ સેટઅપ કરવામાં આવી હતી. બહારથી જોતા આ બંગલો સામાન્ય લાગતો હતો, પરંતુ તેની અંદર આધુનિક લેપટોપ અને ટેકનોલોજીના સહારે કેનેડામાં રહેતા નિર્દોષ નાગરિકોને ડરાવવાનું અને લૂંટવાનું કામ ચાલી રહ્યું હતું. આ ઠગોએ ખૂબ જ વ્યવસ્થિત રીતે એક આખું ‘કોલ સેન્ટર’ અહીં ધમધમતું કરી દીધું હતું.

- Advertisement -

ઓપરેશન ‘ધ મિડનાઈટ ક્લબ’ અને કામ કરવાની રીત

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે રાજે ‘THE MIDNIGHT CLUB’ નામે એક અત્યંત ગુપ્ત વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં જોડાયેલા સભ્યોને ખાસ પ્રકારની ‘ઓપનિંગ સ્ક્રિપ્ટ’ આપવામાં આવતી હતી.

guj.jpg

- Advertisement -

ઠગ ટોળકીની મોડસ ઓપરેન્ડી (છેતરપિંડી કરવાની રીત) ખૂબ જ ચતુર હતી. તેઓ પોતાને ‘કેનેડા પોસ્ટ’ અથવા ‘કેનેડિયન ઇન્ટેલિજન્સ એજન્સી’ના અધિકારી તરીકે ઓળખાવતા. તેઓ કેનેડાના નાગરિકોને ફોન કરીને ડરાવતા કે, “તમારા નામે આવેલા પાર્સલમાં ડ્રગ્સ કે ગેરકાયદેસર ડોલર મળી આવ્યા છે અને તમારી સામે મોટી કાયદાકીય કાર્યવાહી થવાની છે.” ભોળા નાગરિકો ડરી જાય એટલે આ ટોળકી કેસ રફે-દફે કરવાના બહાને તેમની પાસેથી એપલ અને સુફેરો જેવી કંપનીઓના મોંઘા ગિફ્ટ કાર્ડના સિક્રેટ નંબર મેળવી લેતા અને લાખો રૂપિયાની ડિજિટલ લૂંટ ચલાવતા.

પોલીસની આયોજનબદ્ધ રેડ અને સફળતા

સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને વલસાડ એસ.પી. યુવરાજસિંહ જાડેજાના ચોક્કસ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પી.આઈ. ડી.ડી. પરમાર અને તેમની ટીમે લાંબી વોચ ગોઠવી હતી. મોડી રાત્રે જ્યારે આ ટોળકી તેમના કૌભાંડમાં વ્યસ્ત હતી, ત્યારે પોલીસે એકાએક રેડ પાડી દીધી. ઘટનાસ્થળેથી ૯ પુરુષો અને ૨ મહિલાઓ મળીને કુલ ૧૧ આરોપીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

રેડ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી કેનેડાના લાખો નાગરિકોનો પર્સનલ ડેટા મળી આવ્યો છે, જે તેમના કૌભાંડની ગંભીરતા દર્શાવે છે. પોલીસે સ્થળ પરથી ૭ લેપટોપ, ૧૬ સ્માર્ટફોન, ૫ વાઇફાઇ રાઉટર અને હેડફોન્સ સહિત કુલ ૫,૯૫,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

- Advertisement -

ટેકનોલોજીનો દુરુપયોગ: પકડાઈ ન જવા માટે શું કરતા?

આ ગુનેગારો પોલીસના હાથમાં ન આવે તે માટે ખૂબ જ સાવધ હતા. તેઓ ક્યારેય લોકલ સિમકાર્ડનો ઉપયોગ કરતા નહોતા. તેના બદલે તેઓ VoIP (Voice over Internet Protocol) ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત, તેઓ X-lite અને APhone જેવી એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને પોતાના ફોન કોલને આંતરરાષ્ટ્રીય કોલમાં કન્વર્ટ કરતા હતા, જેથી તેમને ટ્રેસ કરવા મુશ્કેલ બને. જોકે, વલસાડ એસ.ઓ.જી. ટીમે પોતાની આધુનિક તપાસ પદ્ધતિથી આ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા ગુનેગારોને પકડી પાડ્યા.

Share This Article