વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલ માંડવા ગામે પહેલા ક્વોરીનો વિરોધ અને હવે કથિત વહીવટ થઈ જતા કવોરી ચાલુ કરવા ઘીના ઠામમાં ઘી પડી ગયાની ચર્ચા વેગવંતી બની છે અને તે માટે ગ્રામસભામાં ‘લીલી ઝંડી’આપવા ચક્રો ગતિમાન થયાની વાત સબંધિત વર્તુળોમાં હવાની જેમ પ્રસરી છે.
માંડવા ગામે ખાતા નં :-૮૨૬ અને સરવે નં:-૧૫૪૭ વાળી બિનખેતીની જમીન ઉપર કવોરી પ્રોજેકટ ઉભો કરવા મામલે ભારે વિરોધ વંટોળ ઉઠ્યા બાદ હવે માત્ર દોઢ મહિનામાં જ ત્રીજી ગ્રામ સભા બોલાવવા અંગે સબંધિતોમાં વાટાઘાટો શરૂ થઈ છે અને હવે ક્વોરી ચાલુ કરવા માટે ગતિવિધિ શરૂ થઈ હોવાનું કહેવાય છે.
કવોરીના સંચાલકોએ સરપંચ સહિત કેટલાક ચોક્કસ લોકોને કથિત રીતે ગાંધીછાપ આપી મનાવી લીધા હોવાની વાત ભારે ચર્ચામાં આવી છે. શરૂઆતમાં કવોરી કોઈપણ સંજોગોમાં નહિ બનવા દેવાની જે વાત હતી તેમાં અચાનક નરમ વલણ આવી ગયાની વાતો વહેતી થઈ છે.
એક એવી પણ ચર્ચા છે કે કપરાડાના મોટા નેતાઓએ પેહલા ક્વોરી ચાલુ નહિ થવા દેવા બાબતે ગામ લોકો પાસે વિરોધ કરાવ્યો અને હવે સંચાલકો અને ગામના કેટલાક આગેવાનો અને રાજકારણીઓ વચ્ચે સમાધાન થતાં કથિત ‘વહીવટ’ કરી લઈ ને હવે ક્વોરી ચાલુ કરવા અનુમતિ માટે મન મનાવી લીધું હોવાની વાત ચર્ચાઈ રહી છે.
જ્યાં સુધી પૈસા ન મળ્યા ત્યાં સુધી વિરોધ અને હવે મળી ગયા એટલે ક્વોરી ચાલી કરવા ગ્રામ સભા બોલાવવામાં આવનાર હોવાની વાત ભારે ચર્ચા જગાવી રહી છે.
જોકે,વાત એવી પણ છે કે આ બધાથી અજાણ ગ્રામજનો અંધારામાં છે ત્યારે કવોરી ચાલુ થશે કે નહીં તે અંગે આગળ શું થાય છે તેતો સમયજ કહેશે પણ જો વહીવટ વાળી વાત પણ તપાસનો વિષય બની છે.
