વલસાડ જિલ્લાના કપરાડા વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર બોગસ ડોકટરને ઝડપી લઈ પાંજરે પૂર્યો હતો.
આરોગ્ય શાખા, જિ.પં.વલસાડ જિલ્લા વિકાસ અધિકારી, વલસાડની સુચના અન્વયે બૉગસ ડૉકટર સામે ફરીયાદ થયા બાદ તેની આજે ધરપકડ કરવામાં આવી હતી.
અત્રેની કચેરીના ધ્યાન પર આવ્યુ હતું કે કલ્પેશ ભોંયા નામનો ઇસમ વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકામાં લવકર, પારસપાડા ફળીયા ખાતે કોઇપણ પ્રકારની માન્ય મેડિકલ લાયકાત વગર ખાનગી પ્રેકટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે જે અંગે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની સુચના અને માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર, કપરાડા અને મેડીકલ ઓફિસર, પ્રા.આ.કેન્દ્ર સિલ્યા દ્રારા આ બોગસ ડોકટર વિરુદ્ધ તા. ૨૯/૦૬/૨૦૨૩ નાં રોજ
પોલીસ ફરીયાદ નોંધાવતા આજ રોજ બોગસ ડોકટરની ધરપકડ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે વલસાડ જિલ્લામાં અત્યારસુધી કુલ ૨૧ બોગસ ડોકટર ઝડપાયા છે અને તેઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવામાં આવેલ છે.
જાહેર જનતાને તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે કે સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે લાયકાત ધરાવતાં ડૉકટરો દ્રારા
સેવા આપવામાં આવતી હોય તેઓ પાસેથી સારવાર લેવા વિનંતી છે.
જો આપના વિસ્તારમાં બોગસ ડોકટર પ્રેકટીસ કરતાં જણાય તો જિલ્લાનાં કંટ્રોલ રૂમ નંબર ૦૨૬૩૨ –
૨૫૩૩૮૧ ખાતે સંપર્ક કરી માહિતી આપવા જાહેર અપીલ કરવામાં આવી છે.