વલસાડમાં એસટી બસમાં ઈંગ્લીશ દારૂની હેરફેર થઈ રહી છે જે વાતનો પરપોટો ગાંધીનગર ST વિભાગની વિજીલન્સની ટીમે ફોડી નાખી પોલીસને દારૂનો જથ્થો સોંપતા અનેક સવાલો ઉભા થયા છે.
વલસાડમાં રેલવે અને બસમાં દારૂની હેરાફેરી થઈ રહી છે અને અગાઉ પણ અનેક વખત આવો દારૂ પકડાઈ ચુક્યો છે જે ગુજરાતમાં દારૂબંધીના કાયદાની પોલ ખોલે છે.
વિગતો મુજબ વલસાડ જિલ્લામાં STમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે ગાંધીનગર એસટીની વિઝીલન્સ તપાસમાં હતી તે દરમ્યાન વાપી કંબોઈ બસને અટકાવી ચેકીંગ કરતા આ બસમાં મુસાફરી કરી રહેલી 7 મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી.
મહિલાઓ સીટ નીચે દારૂનો જથ્થો છુપાવી સુરત, નવસારી અને વાઘલધરા લઈ જતી હોવાની વાતનો ખુલાસો થતા STની વિઝીલન્સની ટીમ ચોંકી ઉઠી હતી અને કુલ 287 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઈ વલસાડ સીટી પોલીસ મથકે જાણ કરતા પોલીસે 7 મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટનાને લઈ બસમાં મહિલાઓ દ્વારા થતા દારૂની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે.
