રાજ્ય માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ની કામગીરી જોરશોરથી શરૂ થઈ ગઈ છે ત્યારે કેન્દ્રીય રાજ્ય રેલમંત્રી દર્શના જરદોશે સુરતથી વાપી સુધી બુલેટ ટ્રેનના પ્રોજેકટમાં ચાલી રહેલી કામગીરીની સ્થળ ઉપર જઇ ને સમીક્ષા કરી હતી અને ઇજનેરો પાસેથી માહિતી મેળવી હતી.
કેન્દ્રીય રાજ્ય રેલ મત્રી દર્શના જરદોશે વલસાડ જિલ્લા ના પાથરી ખાતે અને વાપીના ડુંગરા ખાતે તૈયાર થઈ રહેલા બુલેટ ટ્રેન પ્રોજેકટ ના પ્લેટફોર્મ સાઇટ ઉપર જઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. વલસાડના પાથરી ખાતે સ્થળ મુલાકાત દરમિયાન તેઓ એ ઈજનેરો સાથે વાતચીત કર્યા બાદ પત્રકારો ને જણાવ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મોદીજી નો ડ્રિમ પ્રોજેકટ છે જે એક શ્રેષ્ઠ ભારતનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રોજેકટ હેઠળ 1 લાખથી વધુ લોકોને રોજગારી મળી રહી છે. ઇજનેરોથી લઈને શ્રમિકો સુધી તમામ લેવલે ખૂબ જ સારી રીતે ગુણવત્તા સાથેની કામગીરી હાલ કરવામાં આવી રહી છે.જેમાં ભારત અને જાપાન ટેક્નોલોજી નો ઉપયોગ કરીને કામગીરી કરવામાં આવી રહી છે.
વલસાડ જિલ્લામાં 50 કિલોમીટરના પ્રોજેકટમાં 20 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જેમાં 500થી વધુ પિલર તૈયાર કરવામા આવ્યા છે. શરૂઆતના દિવસોમાં 4 કિલોમીટરનું કામ થતું હતું, આવનાર દિવસોમાં 10 કિલોમીટર સુધી કામ લઈ જવાની તૈયારી કરી રહ્યા છે. સમયસર કામ આગળ વધારી કામગીરી પૂર્ણ કરવા માટે તમામ ટીમ કટિબદ્ધ છે. 2023 સુધીમાં સંપૂર્ણ કામ પૂર્ણ કરવામાં આવશે. સુરત, નવસારી અને વલસાડમાં એક સાથે અને એક સરખી કામગીરી કરવામાં આવી રહી છે. વિકાસના કામોમાં સૌથી મહત્વનો વિષય જમીન સંપાદનનો રહે છે. આ પ્રોજેટમાં 100 ટકા જમીન સંપાદનની કામગીરી ગુજરાતમાં પૂર્ણ થઈ ગઈ છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ પ્રથમ ટ્રાયલ બીલીમોરા સુરત વચ્ચે કરવા જઈ રહ્યા છે. તેની પણ કામગીરી ખૂબ જ ઝડપથી કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં જમીન સંપાદન અંગે ગુજરાતમાં થયેલો વિકાસ દેખાશે એટલે મહારાષ્ટ્ર સરકાર પણ તેમાં જોડાઈ જશે તેવી આશા રાજ્ય રેલમંત્રીએ વ્યક્ત કરી હતી.