વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણી ભરાઈ ગયા હતા અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતા વિશ્વામિત્રી નદીની બે કાંઠે વહી રહી છે.
આજે સવારે 8 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 12.73 ફૂટે પહોંચી છે અને આજવા ડેમની સપાટી વધીને 209.80 ફૂટ ઉપર પહોંચી ગઇ છે.
જોકે,વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે.
વડોદરા શહેરમાં રાત્રે ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને સમા વિસ્તારની સોસાયટીઓ અને ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.
વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ થતાં માંડવી, ન્યાયમંદિર, રાવપુરા, મચ્છીપીઠ, કારેલીબાગ, સમા, નિઝામપુરા, આજવા રોડ, વાઘોડિયા રોડ અને માંજલપુર સહિતના તમામ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી અને વાહન ચાલકો અટવાઇ ગયા હતા.
આ ઉપરાંત અલકાપુરી ગરનાળુ ભરાઈ જતા વાહન વ્યવહાર માટે ગરનાળુ બંધ કરવાની ફરજ પડી હતી.