વલસાડના અંતરિયાળ વિસ્તારમાંથી મળેલો કોન્ડોમનો મોટો જથ્થો કોનો હતો તે મુદ્દે હજુ ચોક્કસ જાણકારી મળી નથી ત્યારે જે અનુમાન લગાવાઈ રહ્યું છે તે ચોંકાવનારું છે.
વલસાડ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં કોઈ ઈસમો મોટાપાયે જાહેર માર્ગ ઉપર કોન્ડોમનો મોટો જથ્થો ફેકી જવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી અને રહસ્ય હજુ અકબંધ છે.
કપરાડા નાસિક રોડ ઉપર કુંભઘાટથી નાનાપોંઢા સુધીના લગભગ 5 કિ.મી. વિસ્તારમાં રસ્તા ઉપર ફેલાયેલો કૉન્ડોમનો મોટો જથ્થો મળી આવવાની ઘટના સામે આવી હતી.
આ મામલે જિલ્લા આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય વિભાગને જાણ થતાં તાત્કાલિક જિલ્લા અને તાલુકા આરોગ્ય અધિકારી દોડતા થઈ ગયા હતા પણ આ કોન્ડમનો જથ્થો સરકારી ન હોવાની પુષ્ટિ થઈ હતી. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે કુભઘાટથી કપરાડા સુધીના વિસ્તારમાં પડેલા કોન્ડોમના સેમ્પલ લઈ તપાસ કરતા આ જથ્થો ખાનગી કંપનીનો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. આટલી મોટી માત્રામાં કપરાડા નાસિક રોડ ઉપર પડેલા કોન્ડમના જથ્થા અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી પણ કહેવાય છે કે કોન્ડોમ હવે માત્ર સેક્સ વખતે જ વપરાય તેવું નથી પણ હવે બિલ્ડરો પણ બાંધકામ વખતે આવા કોન્ડોમ વાપરતા હોવાની ચર્ચા ઉઠી છે.
બાંધકામ વખતે સિલિંગ કે બીમ ભરતી વખતે કેટલાક બિલ્ડરો કોન્ડમનો ઉપયોગ કરતા હોવાની ચર્ચા છે અને બિલ્ડરની કોઈ સાઈડ ઉપર આ જથ્થો લઈ જતી વખતે કપરાડા નાસિક રોડ ઉપર કોન્ડમ પડ્યા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.
જોકે, કોન્ડોમનો આટલો મોટો જથ્થો આખરે એક ટેમ્પોમાં ભરી લઈ જવામાં આવ્યો હતો.