વલસાડના વેલવાચ કુંડી ફળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી એક દીપડો દેખાતો હતો. આથી લોકોમાં ભયનો માહોલ પણ છવાયો હતો. ગામના એક ઘરમાં દીપડો ઘૂસી ગયો હતો અને ઘરનો પાછળનો દરવાજો ખોલતા દીપડાએ અચાનક મહિલાઓ પર હુમલો કર્યો હતો. મનીષાબેન પટેલ અને કમળાબેન પટેલ નામની મહિલાઓ પર દીપડો હુમલો કરી અને ત્યાંથી ભાગી જતા ભારે ચકચાર મચી હતી.
વલસાડના વેલવાચ ગામે એક મકાનમા સભ્યો બહાર ગયા હતા ત્યારે આગળના ભાગે થઈ દીપડો ઘરમાં આવી બેસી ગયો હતો જ્યારે ઘરના લોકો ઘરે આવ્યા ત્યારે પાછળના રૂમનો દરવાજો ખોલતા નિરાલી નામની નાની દીકરીએ દીપડાને જોઈ બુમાબુમ કરતા મહિલા દોડી આવતા દીપડાએ મહિલા ઉપર હુમલો કર્યો હતો. મહિલાને પકડ્યા બાદ થોડે દુર ઉભેલી મહિલા ઉપર પણ હુમલો કર્યો હતો. બુમાબુમ થતા સ્થાનિક લોકો દોડી આવતા દીપડો ઘરમાંથીભાગી છૂટ્યો હતો. સ્થાનિક અગ્રણીઓએ ઘટનાનો જાણ વન વિભાગની ટીમ અને 108ની ટીમને કરી હતી. 108ની મદદ લઈને મહિલાને ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.