ફ્લાઈંગ રાની અને વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેનોમાં MST પેસેન્જર (પાસ હોલ્ડર) માટે રિઝર્વ કોચ સિસ્ટમ કોરોના વખતથી બંધ કરાયા બાદ હજુપણ ફરી ચાલુ નહી કરવામાં આવતા પાસ હોલ્ડરોની રજુઆત બાદ DRM ઓફિસ દ્વારા MST મુસાફરો માટે રિઝર્વ કોચ સિસ્ટમ શરૂ કરવા આદેશ અપાતા હવે ટૂંક સમયમાં ફરીથી ફ્લાઈંગ રાની અને વલસાડ ફાસ્ટ પેસેન્જરમાં એક-એક કોચ MST યાત્રી માટે આરક્ષિત કરવામાં આવશે.
જોકે,રેલવે આ ટ્રેનોમાં કોઈ અલગ કોચ ઉમેરવામાં આવશે નહીં પણ હાલના કોચમાંથી એક કોચ ફાળવવામાં આવશે.
નોંધનીય છે કે, આ સુવિધા કોરોના પહેલાની હતી પરંતુ કોરોનાની સ્થિતિમાં બંધ કરવામાં આવી હતી પણ હવે કોરોના કાબુમાં આવી ગયા બાદ ફરી આ સેવા કાર્યરત નહિ થતા પાસ હોલ્ડર દ્વારા કોચ આપવા વારંવાર રજુઆતો થઈ હતી અને ગત તા. 29 ઓગસ્ટના રોજ, કુલ 177 મહિલા પાસ ધારકોએ આ સંબંધમાં પશ્ચિમ રેલવે મુંબઈ ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસને પત્ર લખીને કોચ રિસ્ટોરેશન માટે અરજી કરી હતી.
ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસ વતી, મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને, ડિવિઝનલ ઓપરેટિંગ ઓફિસરને આ બાબતે તપાસ કરવા અને સંબંધિત ટ્રેનોમાં MST કોચના સીમાંકન માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.
કોવિડ પહેલા રોજના 35 થી 40 હજાર પાસ હોલ્ડર્સ આવતા હતા. પરંતુ હવે પાસ ધારક મુસાફરોની સંખ્યા ઘટીને રોજના 22 થી 25 હજાર થઈ ગઈ છે. કારણ કે પાસ હોલ્ડરો માટે અલગ કોચ ન હોય તો તેઓ મેલ એક્સપ્રેસ ટ્રેનમાં જતા હતા. પરંતુ હવે ટ્રેનોમાં MST કોચ પુનઃસ્થાપિત થતાં પાસ ધારકો પુનઃ સેવાનો લાભ લઇ શકશે.