વલસાડમાં ભરત માલદે નામનો બિલ્ડર આજકાલ ભારે ચર્ચામાં આવ્યો છે અને તે ગરજવાનોને વ્યાજે થોડા રૂપિયા આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરી કરોડોની મિલ્કતો પડાવી લેવાનો ધંધો શરૂ કર્યો હોવાની વાત ભારે ચર્ચામાં આવી છે.
ભરતને આ મોડન્સ ઓપરેન્ડી માફક આવી ગઈ હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
ભરત આમતો પોતાના થોડા વિશ્વાસુ સાથીઓની મદદથી આખો ખેલ પાર પાડવામાં ભારે માહિર હોવાનું કહેવાય છે અને આમતો તેની બધે ભક્તિ ચાલી ગઈ પણ મગોદના ચેતન પટેલ સાથે પંગો લેવા જતા ભેરવાયો હોવાનું સામે આવી રહ્યું છે,જે રીતે વિડીયો વાયરલ થયો અને ચેતન પટેલે સ્થળ ઉપરથી જે રીતે બધું બતાવીને આક્ષેપો કર્યા છે તે પ્રકરણમાં જો કાર્યવાહી થાયતો હાલમાં વ્યાજખોરો સામે જે રીતે કડક પગલાં ભરાઈ રહયા છે તેમાં ભરત બરાબરનો ફસાઈ શકે તેમ હોવાનું જાણકાર સુત્રોનું કહેવું છે અને પછી જો આવા કારનામાં માં તપાસ થાય તો બીજા પણ આ પ્રકારના મામલા બહાર આવી શકે તેવી શક્યતાઓ છે.
જોકે,ચેતન પટેલ વાળું પ્રકરણ ભારે ગાજતા વાત સેટલમેન્ટ ઉપર આવી હોવાની વાતો વચ્ચે તેનો હજુ નિવેડો આવે તે પહેલાંજ ભરત માલદેના એક આવા જ પ્રકારના વધુ એક “કાંડ”ની વાતો વલસાડના માર્કેટમાં આગની જેમ ફરી વળી છે અને કહેવાય છે કે ભરતે આવી જ રીતે ખેલ ખેલીને એક બિલ્ડરની ધરમપુર રોડ ઉપરના એક બિલ્ડરની કરોડોની પ્રોપર્ટી લખાવી લીધાની ચર્ચા પુર જોશમાં શરૂ થઈ છે.
જે માણસને કરોડો રૂપિયાની પ્રોપર્ટી ખોવાનો વારો આવ્યો છે તે પણ કમનસીબે એક “બિલ્ડર” હોવાની વાત હોઈ આ મેટર ભારે ચર્ચાસ્પદ બની છે.
આ બિલ્ડરે પણ ભરત પાસે થોડા રૂપિયા લીધા હતા અને તેના બદલામાં કરોડોની પ્રોપર્ટી ગુમાવવાનો વારો આવ્યો હોવાનું કહેવાય છે જોકે,હાલ આ બિલ્ડર સુનમુન થઈ ગયા છે અને તેઓને જો ડિપાર્ટમેન્ટનો સહારો મળી જાયતો”કઈક” ચમત્કાર થવાની શકયતાની રાહમાં હોવાનું પણ ચર્ચામાં છે ત્યારે ચેતન પટેલના કિસ્સાથી વલસાડમાં ભરત માલદે વ્યાજે પૈસા આપી મિલ્કતો પડાવી લેતો હોવાની ચોંકાવનારી વાત બહાર આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે અને હવે અન્ય ભોગ બનેલા અન્ય લોકો પણ ખુલીને સામે આવે અથવા સેટલમેન્ટ ઉપર જવાની શક્યતા પણ ચર્ચાના પરિઘમાં રહેવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં તમામ જીલ્લાઓમાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ ઝુંબેશ ચાલુ છે અને કેટલાક કિસ્સામાં માથાભારે વ્યાજખોરો અને તેના સાગરીતો સામે પાસાની દરખાસ્ત પણ કરવામાં આવી રહી છે.
રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજ દરે રૂપિયાનુ ધિરાણ કરી સામાન્ય નાગરિકો પાસેથી સિક્યુરીટી પેટે લખાવી લીધેલી મિલકતો પચાવી પાડવાની તેમજ ધાક ધમકી આપી લોકો પાસેથી વ્યાજની ઊઘરાણી કરી ગેરકાયદેસર વ્યાજે નાણા ધીરધારનો વ્યવસાય કરનાર વ્યાજખોરો વિરુધ્ધ સખતમાં સખત પગલા લેવા અને ભોગ બનનારાઓને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહયા છે અને ભોગ બનનાર વ્યક્તિને ફરિયાદ કરવા આગળ આવવા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે વલસાડમાં વાયરલ વિડીયો બાદ વ્યાજ વૃત્તિ સામે આવતા ભારે ખળભળાટ મચ્યો છે.