વલસાડ જિલ્લામાં આવેલ જાણીતા હિલસ્ટેશન વિલ્સન હિલ ખાતે ‘વિલ્સન હિલ ટેન્ટ સીટી અને એડવેન્ચર’ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહયા છે.
અહીં એડવેન્ચર રાઈડ્સ તથા નાના બાળકો માટે પણ રાઈડ્સ હોય બાળકો સાથે પરિવાર આવી રહ્યા છે. આ રાઈડ્સમાં રૂ.30/- થી લઈ રૂ.200/- સુધી ફી રાખવામાં આવી છે.
વિલ્સન હિલ ખાતે આ રાઈડમાં પુખ્ત વયના લોકો માટે બાઉન્સી, એટીવી રાઈડિંગ, ગન શૂટિંગ, સેગ્વે રાઈડિંગ જેવી એક્ટિવિટી માત્ર રૂ.100/-માં, બન્જી ઈન્જેક્શન એક્ટિવિટી અને ગો કાર્ટિંગ રૂ.200/-માં કરી શકાય છે. જ્યારે હાઈ રોપ એક્ટિવિટી પુખ્ત વયના લોકો અને બાળકો બંને માટે છે. જે પણ માત્ર રૂ.100/-માં, સોફ્ટ આર્ચરી અને સામાન્ય આર્ચરી પણ બધા લોકો માત્ર રૂ. 50/-માં ઉપલ્બ્ધ છે. જેમાં મુખ્ય આકર્ષક વાત એ છે કે, ગન શૂટિંગમાં ટાર્ગેટ શૂટ કરવા પર અને બાઉન્સીમાં ચારેય બોલ પાસ કરી રાઈડ પૂરી કરવા ઉપર રૂ.100/-નું ઇનામ આપવામાં આવે છે.
નાના બાળકો માટે ટ્રેમ્પોલીન રૂ.20/-, બાઉન્સી રૂ.30/-, બોટિંગ રૂ.50/-, વોટર ઝોર્બિંગ રૂ.50/- અને બન્જી ટ્રેમ્પોલિન માત્ર રૂ.100/-માં ઉપલબ્ધ છે. જેથી હિલ સ્ટેશન ખાતે ફરવા સાથે હવે એડવેન્ચર એક્ટિવિટીઓ પણ કરી શકાશે જે લોકોમાં આકર્ષણ જમાવશે. નજીકના સમયમાં વિલ્સન હિલ ખાતે આ એડવેન્ચર એક્ટિવિટીઓ સાથે સાથે પેઈન્ટ બોલ, પેરા ગ્લાઈડિંગ અને ઝિપ લાઈનીંગની પણ શરૂઆત કરવામાં આવશે. જેથી વિલ્સન હિલનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થશે તેમજ એડવેન્ચર રસિયાઓ માટે પણ સાપુતારા બાદ હવે નજીકમાં એડવેન્ચર એક્ટિવિટીઓ નો લાભ મળી રહેશે.
જિલ્લા વહીવટી વિભાગ દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વ્હીલ્સન હિલનો વિકાસ કરવા પગલાં ભરવામાં આવી રહયા છે જેને શરૂઆતમાં જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.