— એનડીઆરએફની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને તકેદારી રાખવા અંગે પ્રેકટીકલ માહિતી આપવામાં આવી
— બીઆરસી કો-ઓર્ડિનેટર મિતેશ પટેલે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્મદિવસે ૨૪૦૦ વૃક્ષ રોપવાનો સંકલ્પ લીધો
વલસાડ તા. ૧૯ જુલાઈ
રેલ, ભૂકંપ અને વાવાઝોડુ આવે ત્યારે શું શું તકેદારી રાખવી તેમજ ફર્સ્ટ એઈડની કામગીરી કેવી રીતે કરવી તે અંગે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને માર્ગદર્શન આપતો કાર્યક્રમ વલસાડ તાલુકાના સેગવા ગામની પ્રાથમિક શાળામાં યોજાયો હતો. જેમાં એનડીઆરએફની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેકટીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ વલસાડના બીઆરસી કો-ઓર્ડિનેટર મિતેશભાઈ એન.પટેલના જન્મ દિવસ નિમિત્તે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો.
એનડીઆરએફની ટીમના ઈન્સ્પેકટર દીપકભાઈ બાબુએ કુદરતી આપત્તિ સમયે પોતાનો જીવ કેવી રીતે બચાવવો તેમજ કેવી રીતે લોકોને મદદરૂપ થવુ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સિવાય રેલ આવે ત્યારે શુ સાવચેતી રાખવી તેની માહિતી આપી હતી. પર્યાવરણની જાળવણી માટે પોતાના જન્મ દિવસને અનોખી રીતે ઉજવતા બીઆરસી કો-ઓર્ડિનેટર મિતેશભાઈ પટેલે જણાવ્યું કે, વૃક્ષોનું જતન કરવુ ખૂબ જ જરૂરી બન્યુ છે. વર્તમાન સમયમાં કલાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે પર્યાવરણનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. જેથી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવુ જોઈએ. વધુમાં તેમણે બાળકો અને શિક્ષકોને પણ પોતાના જન્મ દિવસે કેક કાપવાને બદલે વૃક્ષારોપણ કરી જન્મ દિવસની ઉજવણી કરવા માટે અપીલ કરી હતી. બાદમાં તેમણે બાળકોને બોલપેન અને ચોકલેટનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે વલસાડ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના મામલતદાર પ્રિયંકા પટેલે ડિઝાસ્ટર વિભાગની કામગીરી અને વૃક્ષોનું મહત્વ અંગે માહિતી આપી હતી. સેગવા પ્રાથમિક શાળા અને અતુલ વિદ્યાલયમાં વૃક્ષારોપણ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડિઝાસ્ટર વિભાગના ડિસ્ટ્રીક્ટ પ્રોગામ ઓફિસર જયવીરસિંગ રાઓલ તેમજ અતુલ વિદ્યાલય ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરિક્ષક બીપીનભાઈ પટેલ અને નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી અર્જુન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ તાલુકાને લીલોછમ રાખવા માટે બીઆરસી કો-ઓર્ડિનેટર મિતેશભાઈ પટેલ પોતાના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કરે છે. જે મુજબ ચાલુ વર્ષે તાલુકાની ૧૭૩ સરકારી સ્કૂલ અને ૬૦ ખાનગી શાળામાં ૨૪૦૦ વૃક્ષો રોપવાનો લક્ષ્યાંક છે. પોતાના જન્મ દિવસે છેલ્લા ૬ વર્ષમાં અત્યાર સુધીમાં ૧૦ હજાર વૃક્ષો મિતશભાઈએ રોપ્યા છે.
-૦૦૦-