વલસાડ નગરપાલિકાના વર્ષોથી બાકી વિજબિલના વ્યાજના ચક્કરમાં ફસાતા કરોડોનું વ્યાજ ચડી જતા આખરે રાજ્ય સરકારે પાલિકાના વોટર વર્કસના રૂ.7 કરોડના વિજ બિલને માફ કરતા રાહતની લાગણી પ્રસરી છે.
વલસાડપાલિકાના વીજળીના તોતિંગ વ્યાજના કરોડોના બિલો ચડી જતાં તત્કાલિન પાલિકા પ્રમુખ સોનલબેન સોંલંકીએ રાજ્ય સરકાર સમક્ષ વન ટાઇમ સેટલમેન્ટ હેઠળ વિજબિલ માફીની દરખાસ્ત પણ મૂકી હતી.
બાદમાં નવી સરકારમાં નાણામંત્રી તથા મુખ્યમંત્રીને પણ રજૂઆતો થતાં આ મામલે બેઠક થઇ હતી જેમાં આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.
સપ્ટેમ્બર-2021માં રાજ્યના કેબિનેટ નાણાં અને ઉર્જા અને નાણાંમંત્રી પદે પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇની વરણી થતા તેમના પ્રયાસોથી સરકારે વલસાડ પાલિકાના વોટર વર્કસનું રૂ.7 કરોડ વિજબિલ માફ કર્યું છે.જે માટેનો સત્તાવાર પત્ર નગરપાલિકાને મોકલી દેવાતા શાસકોને મોટી રાહત મળી છે.
અત્રે નોંધનીય છે કે છેલ્લા 20 વર્ષથી વિજબિલની બાકી રકમ ઉપર મૂળ રકમ ઉપર વિલંબિત વ્યાજની રકમનો ઉમેરો થતા રકમ વધી ગઈ હતી, ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત વિજ કંપની દ્વારા વિલંબિત વ્યાજની ચઢતી રકમ સાથેના વિજબિલ આવતા હોયવર્ષોથી આ વિલંબિત વ્યાજની પેનલ્ટીએ વલસાડ નગરપાલિકાની મુશ્કેલી વધારી હતી.
પાલિકાને વ્યાજ ભરવુ કે મુદ્દલ તે પ્રશ્ન સર્જાયો હતો અને પાલિકા માસિક રૂ.10થી 12 લાખનું બિલ ભરવા છતાં પાછલી બાકી રકમનું વ્યાજ સતત વધી રહ્યું હતું આ સંજોગોમાં હવે વિજબીલ માફ થતા પાલિકામાં રાહતની લાગણી ફેલાઇ છે.