રાજ્યમાં વરસાદી માહોલ ધીરેધીરે જામી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડજિલ્લામાં ભારે વરસાદ વચ્ચે ઝાડ તૂટી પડવાના અને મકાનોને નુકશાન થવાના બનાવો બન્યા હતા. જિલ્લાના ઉમરગામમાંજ માત્ર ચાર કલાકમાં 4 ઇંચ સાથે એકજ દિવસમાં કુલ 9 ઇંચ ધોધમાર વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
સવારે 6 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધીમાં ઉમરગામમાં 9.36 ઇંચ, કપરાડામાં 1.88 ઇંચ, ધરમપુરમાં 1.2 ઇંચ, પારડીમાં 3.25, વલસાડમાં 4.08 ઇંચ અને વાપીમાં 3.6 ઇંચ વરસાદ પડ્યો હતો. વાપી શહેરના રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા,હાઇવે ઉપર પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં.
વલસાડ શહેરના મુલ્લાંવાડી વિસ્તારમાં વર્ષો જૂનું લીંમડાનું વૃક્ષ તૂટી પડતા 1 મહિલાને ઈજા થઈ હતી. વૃક્ષ તૂટી પડતા 2 કાચા મકાનોને નુકસાન થયું હતું ઉપરાંત વલસાડ રેલવે યાર્ડમાં પણ તોતિંગ વૃક્ષ તૂટી પડતા એક વીજપોલ જમીનદોસ્ત થઈ ગયો હતો અને એક બાઈક વૃક્ષ નીચે દવાયાં હતાં. વીજ થાંભલો પડી જતા રેલવે યાર્ડમાં અંધારપટ છવાઈ ગયો હતો.
વલસાડ જિલ્લામાં પડેલા વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં નગરપાલિકા તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ પરિસ્થિતિનો તાગ મેળવવા સ્થળ નિરીક્ષણ કરવા દોડી આવ્યા હતા અને મોગરાવાડીમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો હતો જેને લઇ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે વાપીમાં રેલવે અંડરપાસ વરસાદી પાણીનો ભરાવો થતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.
વલસાડ જિલ્લામાં સવારથી પડી રહેલા વરસાદને લઈને મુંબઈ અમદાવાદ હાઇવે ઉપર પારડી બ્રિજ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પારડી પોલીસના જવાનો તાત્કાલિક વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં જોતરાઈ ચુક્યા હતા. વલસાડ જિલ્લામાં પડેલા વરસાદને લઈને મુંબઇ અમદાવાદ માર્ગ પ્રભાવિત થયો હતો.
આમ,વલસાડ પંથકમાં ભારે વરસાદને પગલે સર્વત્ર પાણી પાણી થઈ જતા લોકો અટવાયા હતા.