વલસાડની કેરી દેશ-વિદેશમાં ખુબજ પ્રખ્યાત છે અને માંગ પણ છે અને લોકોને એમ કે અહીં માત્ર હાફૂસ અને કેસર કેરીજ પાકે છે પણ એવું નથી અહીં જાત જાતની કેરીઓ પાકે છે જેની જાણકારી મળે તે માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ અંતર્ગત વલસાડમાં તીથલ બીચ ઉપર આયોજીત મેંગો ફેસ્ટીવલનું રાજ્ય નાણાં મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન થયું અને કનુંભાઈ એ દરેક સ્ટોલ ઉપર ફરીને ખેડૂતોનો ઉત્સાહ પણ વધાર્યો.
વલસાડ જિલ્લામાં કુલ 37,344 હેકટર વિસ્તારમાં આંબાના પાકનું વાવેતર છે. જેમાંથી 20થી 22 હજાર હેક્ટરમાં કેસર, 9થી 10 હજાર હેક્ટરમાં હાફૂસ અને બાકીના હેક્ટરમાં અન્ય કેરીનું વાવેતર છે.
મેંગો ફેસ્ટીવલમાં કેરીઓની સ્થાનિક તેમજ વિદેશી મળી 113 જાતોનું પ્રદર્શન યોજાયું.
સાથેજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે પ્રાકૃતિક ખેતીનો સ્ટોલ પણ લગાવાયો છે.
APMCના ભાવ મુજબ લોકો સ્ટોલ પરથી કેરી ખરીદી શકશે.
નાબાર્ડ દ્વારા 8 FPO શરૂ કરવામાં આવ્યા છે. જેથી ખેડૂતો પોતાનો માલ સીધી લોકોને વેચી શકે છે.
વલસાડ જિલ્લાના સ્થાનિક લોકોને અને ખેડૂતોના ખેતરેથી સીધી કેરી મળી રહે તે હેતુથી વલસાડના તિથલ બીચ ખાતે દ્વિ દિવસીય મેંગો ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતો તેમની કેરી સીધી ખેતરથી લાવી ગ્રાહકોને સારી ગુણવત્તાની તેમજ વિવિધ જાતોની કેરી એક જ સ્થળ પર મળી રહે તે માટે વલસાડ જિલ્લાના ખેડૂતો, APMC અને વિવિધ વિભાગોના ખેડૂતોએ 50થી વધુ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટોલમાં કેરી પ્રોસેસિંગને લગતી કંપનીઓ, નિકાસકારો, ફાર્મર પ્રોડ્યુસર કંપનીઓ, બેંક તેમજ સખી મંડળને પણ સ્ટોલ આપવામાં આવ્યા છે. કંપનીઓ અને ખેડૂતોની સીધી મુલાકાત થાય અને તેમની કેરી કંપનીઓ સીધી જ ખરીદી કરે તે હેતુથી ખેડૂત અને કંપનીઓ વચ્ચે MOU થાય તેના પણ પ્રયત્નો મેંગો ફેસ્ટિવલ થકી કરવાનો ઉદેશ છે. વલસાડ જિલ્લામાં કેરીની સિઝન 20થી 25 દિવસની સિઝન રહે છે. એક સાથે વલસાડ જિલ્લાની કેરી આવતી ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી જેથી વલસાડ જિલ્લામાં સરકારી કેનિંગ ફેક્ટરી શરૂ કરવા સરકાર પ્રયત્ન કરી રહી છે