વલસાડના બિલ્ડર અને વ્યાજે પૈસાની ધીરધાર કરનાર ભરત માલદે વિરુદ્ધ મગોદના ચેતન પટેલે સૌ પ્રથમ પોતાની મિલ્કત ઉપર કબ્જો કરવાની કોશીશ કરવા અંગે ભરત અને તેના સાગરિતો સામે વિડીયો વાયરલ કરી હંગામો મચાવ્યા બાદ હજુપણ સમાધાનનું કોકડું ગુંચવાયેલું રહ્યું છે અને આ પ્રકરણમાં ચેતન પટેલ ખુદ કબૂલ કરે છે કે તેઓએ ભરત પાસેથી અઢી ટકે રૂ.ત્રણ કરોડ લીધા હતા અને તે પૈસા ચૂકવવા તૈયાર છે પણ પોતાની પ્રોપર્ટી માંથી સામાન બહાર કાઢી કબ્જો કરવાની કોશિશ અને ભરતના માણસો દ્વારા ધમકી વગરે મુદ્દે જે થયું તે બરાબર થયું નથી અને આગળના પગલાં માટે રાજ્યગૃહ મંત્રીને રજુઆત વગરે વાતો વચ્ચે આ મામલો હજુપણ જૈસે થે રહ્યો છે અને તેનો કોઈ ઉકેલ આવ્યો નથી અને હવે શું થશે તે જાણવા વલસાડ ટાઉનમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે જે સંભવતઃ એક બે દિવસમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે તેમ મનાઈ રહ્યું છે.
જોકે,આ બધા વચ્ચે ભરત માલદેએ અન્ય બિલ્ડરની જમીન લખાવી લીધી હોવાની જે વાત છે તે બિલ્ડર ધરમપુર રોડનો છે અને હવે તે મામલો પણ સપાટી ઉપર આવ્યો છે અને આ જમીન પ્રકરણમાં પણ વિવાદ હોવાની ચર્ચા છે કારણ કે આ જમીનમાં કોઈ સવિતાબેન નામની મહિલાનું નામ ચર્ચામાં આવ્યું છે અને મામલો નામદાર કોર્ટ સુધી પહોચ્યાની પણ ચર્ચા છે.
જોકે,આ બિલ્ડરે પણ ભરત માલદે પાસેથી રૂપિયા લીધા હતા અને સામે જે પ્રોપર્ટી ભરતે લીધી તે બધા વચ્ચે આ સવિતાબેન કોણ છે?અને જમીનનો વિવાદ શુ છે?તે બધા સવાલો ભારે ચર્ચા જગાવી રહયા છે.
જોકે,કાયદો કાયદાનું કામ કરશે પણ વલસાડમાં જે રીતે આ મામલો ગાજયો છે તે જોતા નજીકના ભવિષ્યમાં કંઈક મોટા ખુલાસા થવાની વાતો ટોક ઓફ ધ ટાઉન બની રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વ્યાજખોરો પર લગામ કસવા પોલીસે શરૂ કરેલી કડક કાર્યવાહી વચ્ચે વલસાડમાં આ પ્રકારનો વિડીયો વાયરલ થયા બાદ આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.