વલસાડમાં તિથલ રોડ ઉપર ગેરકાયદે દુકાન ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા નીકળેલા ઝોલાછાપ ડોકટર પ્રમોદ સુરતી ઝડપાઇ જવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે અને રાજકીય ઓથ હેઠળ ધંધો કરવા નીકળી પડ્યા હોવાનું સામે આવતા રાજકીય વર્તુળોમાં આ મેટર ભારે ચર્ચાસ્પદ બની છે.
તિથલ રોડ ઉપર આયુર્વેદિક ક્લિનિક ખોલી મોટા બોર્ડ મારી હાટડી ખોલી પણ આખરે પરપોટો ફૂટી ગયો છે.
પ્રાઇમરી હેલ્થ સેન્ટર,ભાગડાવડાના મેડિકલ ઓફિસર કિંજલ રસીકભાઇ પટેલે તેઓના ઉપરી અધિકારીની સુચનાના આધારે સીટી પોલીસને વાકેફ કર્યા બાદ પોલીસના માણસો અને સાક્ષીઓને સાથે રાખી જિલ્લા આર્યુવેદિક અધિકારી ડો.મનહર ચૌધરી,આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડો.સુમિત પટેલ સહિતની ટીંમે તિથલ રોડ પર આવેલા એમ સ્કવેર મોલના બીજા માળે નેચરો હેલ્થકેરમાં રેડ કરી હતી.
આ સમયે પીએસઆઇ જે.એ.સોલંકી, એએસઆઇ હેમંત વેણીલાલ પણ નેચરો હેલ્થ કેર ક્લિનિકમાં પહોંચ્યા હતા.
જ્યાં ડોકટર બની ગયેલા પ્રમોદભાઇ નટવરભાઇ સુરતીની પૂછપરછમાં ગુજરાત આયુર્વેદિક કાઉન્સિલનું પ્રમાણપત્ર રજૂ કરવા કહેતાં તેમણે રજૂ કરેલા ત્રણ પ્રમાણપત્રો માન્ય જણાયા ન હતા તેમજ ગુજરાત આયુર્વેદિક કાઉન્સિલના નિયમ મુજબ રજિસ્ટ્રેશન કરાવેલું ન હોય તેઓ ગુજરાતમાં મેડિકલ પ્રેક્ટિસ કરવા સક્ષમ ન હોવા છતાં ગેરકાયદે પ્રેક્ટિસ કરતાં હોવાનું સામે આવ્યું હતું.
ઉપરાંત વિવિધ દવાઓનો રૂ.61 હજારનો મુદ્દામાલ પકડી પાડી ઘ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ હેઠળ તેમની વિરૂધ્ધ સિટી પોલીસ મથકમાં ફરિયાદ થતાં ક્લિનક ચલાવનાર કહેવાતા ડો.પ્રમોદભાઇ સુરતી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મૂળ મગોદ ગામના પ્રમોદ સુરતી વલસાડ તાલુકા ભાજપ અનુસૂચિત જાતિના પ્રમુખ હોવાનું ખુલતા રાજકારણ ગરમાયુ હતું.
આ પ્રકરણ વલસાડમાં ભારે ચર્ચાનો વિષય બન્યું હતું.