દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિત વાપી અને દમણમાં ભારે વરસાદ પડતાં જનજીવન પ્રભાવિત થયું છે લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના લીધે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે
ગઈ કાલથી પડી રહેલા ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં આજે તા.20 જુલાઈના રોજ શાળા, કોલેજો , આઈ ટી આઈ તથા આંગડવાડી બંધ રાખવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.
વાપી,વલસાડમાં અનરાધાર વરસાદને પગલે જનજીવનને વ્યાપક અસર થઈ છે ત્યારે બાળકોને શાળામાં નહિ મોકલવા સૂચના આપવામાં આવી છે.
વાપીમાં 8 ઇંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા છે.
વલસાડને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં 9 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
દમણ એરપોર્ટ રોડ, GIDC સહિતના દમણ બજારમાં વરસાદી પાણી ભરાતા દુકાનોમાં વરસાદી પાણી ઘુસ્યા હતા પરિણામે દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હતા.
જ્યારે વાપીમાં અનરાધાર 8 ઇંચ જેટલો ભારે વરસાદ પડતા વાપી રેલવે અંડરપાસ અને GIDC જે ટાઈપ રોડ, ચલા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો અને લોકોના ઘરો તેમજ દુકાનોમાં પાણી ઘુસી જતા તંત્ર દોડતું થયું હતું અને પાલિકા દ્વારા પાણી નિકાલ માટે કામગીરી હાથ ધરાઈ હતી.
જ્યારે વલસાડ,પારડી સહિત જિલ્લામાં પણ સાંજના અરસામાં વરસાદ તૂટી પડતા વલસાડના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
વલસાડમાં મુશળધાર વરસાદ તૂટી પડતા ઠેરઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે પરિણામે નિચાણવાળા વિસ્તાર પાણીથી તરબોળ બન્યા હતા.
તિથલ રોડ,ભગડાવડા,એમજી રોડ,દાણા બજાર,છીપવાડ તેમજ મોગરાવાડી ગળનારું તેમજ છીપવાડ ગળનારામાં પાણી ભરાઈ ગયા હતા.
વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો હોય તંત્ર એલર્ટ થઈ ગયું છે.
વલસાડમાં રાતના સમયે ઠેર ઠેર પાણી ભરાતા નિચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જે આગામી બે ત્રણ દિવસ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આ સમય દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.