રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડતાં તંત્ર સાબધું બન્યું છે ઉમરગામ,ધરમપુર,કપરાડા,વાપી સહિત વલસાડ તાલુકામાં ધોધમાર વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.
વલસાડમાં વ્યાપક વરસાદથી જનજીવનને અસર પહોંચી છે, ઔરંગા નદીમાં જળસપાટીમાં વધારો થયો છે, મધુબન ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીઓ બેકાંઠે વહી રહી હતી પરિણામે અનેક જગ્યાએ પાણી ભરાયા છે તો ક્યાંક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓમાં જિલ્લા કલેક્ટરે રજાની જાહેર કરી લોકોને સાવચેતી રાખવા પણ અપીલ કરી છે.
વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ ટ્વિટ કરી જણાવ્યું કે, જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવતા 17મી સપ્ટેમ્બરના રોજ જિલ્લાની તમામ શાળા કોલેજ આઈ.ટી.આઈ બંધ રાખવામાં આવી છે.
શિક્ષકો ઓનલાઈન ક્લાસ ચાલુ રાખી શકે છે. જ્યારે ઓફલાઈન શિક્ષણ બંધ રાખવા ટ્વિટ કરી જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વલસાડ જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવા માટે શિક્ષકોને પરિપત્ર મોકલી દેવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહયા છે.