— જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીનાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા દ્વારા ઠેર ઠેર તપાસ શરૂ
— ઈ-મેલ અને સોશિયલ મીડિયા પરથી બોગસ તબીબોની માહિતી મળતા જિલ્લા આરોગ્ય તંત્ર એકશનમાં
વલસાડ તા. ૨૧ જુલાઈ
વલસાડ જિલ્લામાં હવે બોગસ ડોકટરોને પ્રેકટીસ કરવી ભારે પડી રહી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લામાં બોગસ તબીબોને નેસ્તનાબૂદ કરવા માટે ઝુંબેશરૂપે આરોગ્ય શાખા દ્વારા રોજે રોજ બોગસ ડોકટરો પર રેડ પડાઈ રહી છે.
વલસાડ જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે જાગૃત નાગરિક દ્વારા તા.૧૮/૦૭/૨૦૨૩ નાં રોજ ૪ બોગસ તબીબ અંગે માહિતી મળતા ગતરોજ તા.૨૦/૦૭/૨૦૨૩નાં રોજ કપરાડા તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિલ્ધા વિસ્તારમાં આવેલા બામણવાડા ગામમાં બિધ્યુત સરવારનાં ક્લિનિક પર કપરાડાના તાલુકા હેલ્થ ઓફિસર અને પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં બોગસ તબીબ બિધ્યુત સરકાર માન્ય ડિગ્રી કે માન્ય દસ્તાવેજ વિના પ્રેકટીસ કરતાં જણાતા તેમના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
જ્યારે અન્ય ૩ બોગસ ડૉકટરો દવાખાનુ બંધ કરી જતાં રહ્યા હોવાથી સ્થળ પર મળી આવ્યા ન હતા. જેમની સામે તપાસ ચાલુ છે.
વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીને એક જાગૃત નાગરિક દ્વારા બોગસ ડોકટર અંગેની માહિતી ઇ-મેલ દ્વારા મળતા તેમના માર્ગદર્શન હેઠળ વલસાડના તિથલ રોડ પર ક્લિનિક ચલાવતા બોગસ તબીબ પ્રમોદકુમાર સુરતી વિરૂધ્ધ તા.૧૭/૦૭/૨૦૨૩ નાં રોજ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ તા.૨૦/૦૭/૨૦૨૩નાં રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને સોશિયલ મીડિયાનાં માધ્યમથી માહિતી મળતા ધરમપુર તાલુકાનાં કાંગવી ગામ ખાતેથી પણ બોગસ ડોકટર બિશ્વાસ મિથુન રાજેન્દ્રનાથ સામે ફરિયાદ થઈ હતી. આ ત્રણેય બોગસ તબીબો સામે ધી ગુજરાત મેડિકલ પ્રેકટીશનર ૧૯૬૩ ની કલમ ૩૦, ૩૫ તથા ઇ.પી.કો.-૩૩૬ હેઠળ તથા ધી ઇન્ડીયન મેડિકલ કાઉન્સીલ એકટનાં સેકશન ૧૫, ઇ.પી.કો. ની કલમ ૪૨૦, ૪૬૭, ૪૬૮ અને ૪૭૧ હેઠળ ગુનો નોંધી તેઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
આમ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય શાખા બોગસ ડૉકટરો સામે કાર્યવાહી કરવા તત્પર છે. જો આપના વિસ્તારમાં બોગસ ડોકટર પ્રેકટીસ કરતાં જણાઇ તો જિલ્લાનાં કંટ્રોલ રૂમ નં. ૦૨૬૩૨ – ૨૫૩૩૮૧ પર સંપર્ક કરી માહિતી આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જાહેર જનતાને અનુરોધ કર્યો છે.
આજ દિન સુધી ૨૪ બોગસ તબીબો સામે એફઆઈઆર થઈ, સૌથી વધુ વાપીમાં વર્ષ ૨૦૨૧થી આજ દિન સુધી વલસાડ જિલ્લામાં કુલ ૨૪ બોગસ ડૉકટરો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં વલસાડ તાલુકામાં ૧, વાપી તાલુકામાં ૧૧, ઉંમરગામ તાલુકામાં ૩, ધરમપુર તાલુકામાં ૪ અને કપરાડા તાલુકામાં ૫ બોગસ ડોકટર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સૌથી વધુ વાપી તાલુકામાં બોગસ તબીબોનો રાફડો ફાટયો છે. નોંધનીય છે કે, ગુજરાત રાજયમાં અધિકૃત રીતે ડૉકટરની પ્રેકટીસ કરવા માટે ગુજરાત રાજય મેડિકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે.