આગામી નવેમ્બર-ડિસેમ્બર દરમ્યાન યોજાનાર ચૂંટણીઓ અગાઉ વલસાડજિલ્લા પંચાયતઅને જિલ્લાની 6 તાલુકા પંચાયતોની બેઠકોના અનામત શિડ્યુલ માટે સરકારે ગેઝેટ હેઠળ નોટિફિકેશન જાહેર કર્યું છે. વિકાસ કમિશનરના જાહેરનામામાં જિલ્લા તાલુકા પંચાયતોમાં કેટલી બેઠકો અનામત,બિનઅનામત રહેશે અને મહિલાઓની કેટલી બેઠક રિઝર્વ રહેશે તે સ્થિતિ સ્પષ્ટ કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર ડીસેમ્બરમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદ્દતો પૂર્ણ થઇ રહી છે ત્યારે આગામી ચૂંટણીઓ નો ઢોલ ઢબુકયો છે.
વલસાડ જિલ્લા પંચાયત અને જિલ્લાની 6 તાલુકા પંચાયતોમાં એસટી,એસસી,સામાજીક આર્થિક પછાત વર્ગ,સ્ત્રી અનામત સહિતની બેઠકોની સંખ્યા અંગે રાજ્ય સરકારે ગેઝટ હેઠળ ચાલૂ માસે નોટિફિકેશન જાહેર કર્યું છે.વિકાસ કમિશનરે જાહેર કરેલા આ નવા શિડ્યુલમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની બેઠકોની અનામત પ્રકારની બેઠક અને 50 ટકા મહિલા અનામત બેઠકોની સંખ્યા સ્પષ્ટ કરી દેવામાં આવતા હવે અત્યાર થીજ રાજકીય દાવપેચ અને પોતાની વગ મુજબ ગોઠવણ શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
