વલસાડ જિલ્લા અને શહેર માં રીતસર દારૂની દુકાનો શરૂ થઈ હોય તેમ ઠેરઠેર દારૂ વેચાઈ રહ્યો છે અને દારૂની હેરફેર પણ વધી ગઈ છે આ અંગે પોલીસ ક્યારેક રેડ કરી સંતોષ માની લે છે પણ પાછું ચાલુ થઈ જાય છે ત્યારે ભીલાડ સરીગામ સરઈ સ્ટેટ હાઇવે પર સોમવારે દારૂ ભરીને જઇ રહેલા પોલીસકર્મી ની ઇકો કારે બાઇક ને ઉડાવતા બે નિર્દોષ ના મોત થઈ ગયા હતા જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં વલસાડ સિવિલ માં સારવાર હેઠળ છે.જોકે ઘટના બાદ ગભરાયેલા પોલીસ કર્મી દારૂ ભરેલી ઇક્કો કાર છોડી ભાગી ગયા હતા તેવા નારગોલ મરીન પોલીસના કલ્પેશ જાની સામે ભીલાડ પોલીસ મથકે આખરે ગુનો નોંધવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.
વિગતો મુજબ સરીગામ પાગીફળિયા પાસે નવીનગરી ખાતે રહેતો એક પરિવાર સોમવારે સરઈ ખાતે યોજાયેલા લગ્ન પ્રસંગમાં જઇ સાંજે બાઇક પર પરત સરીગામ આવી રહયો હતો તે દરમ્યાન સરીગામ થી નારગોલ તરફ ઇકોકાર લઈને જઈ રહેલા ચાલક હેમંતભાઈ લાલજીભાઈ ભદ્રા (રે,ઉમરગામ) તથા નારગોલ મરીન પોલીસકર્મી કલ્પેશ જાની ની દારૂ ભરેલી કારે ઓવરટેક ની લહાયમાં બાઇકને અડફેટે લેતા પ્રવીણ ગણેશ ભાઈ વારલી અને સાગર કાંતિભાઈ હીરોત્તરા (રે,સરીગામ)નું ઘટના સ્થળ પર મોત નિપજાવ્યું હતું.જ્યારે સરસ્વતીબેન ને ગંભીર ઇજા થતા વલસાડ સિવિલમાં ખસેડ્યા હતા જ્યા તેમની હાલત પણ ગંભીર છે.
અકસ્માત બાદ ગાડી માં સવાર મરીન પોલીસ મથક નો કલ્પેશ જાની ભાગી ગયો હતો.જ્યારે લોકો એ કાર ચાલક ને ઝડપી પાડી પોલીસ ને સોંપ્યો હતો.કાર માંથી દારૂ અને બિયરની 11 બોટલ મળી રૂ.1900 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
આમ હવે તો પોલીસ પણ ગાડી માં બેસી પયલોટિંગ કરાવતા હોવાનું સામે આવી રહ્યું છે.
