વલસાડ જિલ્લા માં વાવાઝોડા ની અસર શરૂ થઈ છે અને ભારે પવન સાથે વરસાદ પડવાનું શરૂ થતાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગુજરાત ના સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે તા.18 મી એ ત્રાટકનારા તાઉ-તે વાવાઝોડ ની અસર કર્ણાટક,ગોવા,મહારાષ્ટ્ર માં શરૂ થઈ ગઈ છે ત્યારે મહારાષ્ટ્ર બોર્ડર ઉપર અને દરિયા કિનારે આવેલા વલસાડ જિલ્લા માં પણ વરસાદ શરૂ થઈ ગયો છે અને વલસાડ સહિત ધરમપુર વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે પણ કેરી ના પાક ને નુકસાન થવાની દહેશત ઉભી થતા ખેડૂતો ચિંતાતુર બની ગયા છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વાવાઝોડા ની અસર હેઠળ વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
વલસાડ જિલ્લામાં આજે રવિવારે બપોરે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વલસાડ શહેર સહિત જિલ્લાના ધરમપુર સહિત કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. તિથલ બીચ પર પણ વરસાદી માહોલ છવાયો હતો.
વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા કેરી ઉપર નભતા ખેડૂતોમાં ચિંતા છવાઈ ગઈ છે. ભારે પવન સાથે વરસાદ પડતાં તૈયાર થઈ રહેલી કેરીઓ ઝાડ ઉપરથી પડી ગઈ હતી. કેરીના પાકને નુકશાન થવાની શક્યતા વધી ગઈ છે.
વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે જિલ્લાના છુટાછવાયા વિસ્તારમાં વરસાદ પડતા તંત્ર એલર્ટ થઈ ગયુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાવાઝોડા ની સંભવિત અસર હેઠળ હાલ જિલ્લા માં 35 જેટલા ગામડાઓ ને એલર્ટ કરાયા છે અને તંત્ર સતત વાવાઝોડા અંગે અપડેટ્સ મેળવી રહ્યું છે.
ત્યારે હાલ તો વાવાઝોડા અગાઉ તેની અસર વરસાદ રૂપે જોવા મળી રહી છે.
દરમિયાન ભારે પવનને લઈને તિથલ બીચ ખાતે આવેલું આવેલા વનવિભાગના કવાર્ટર પાસે આવેલું એક તોતિંગ ઝાડ ધરાશાયી થઈ ગયું હતું. તોતિંગ ઝાડ ધડાકાભેર પડતા આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા બનાવની જાણ સ્થાનિક આગેવાનોને થતાં તાત્કાલિક તિથલ બીચ પહોંચી ધરાશાયી થયેલા તોતિંગ ઝાડ દૂર કરવાની તજવીજ હાથ ધરી હતી. આમ પવન અને વરસાદ શરૂ થતાં તંત્ર એલર્ટ થઈ ગયું છે અને વાવાઝોડા ની પળેપળ ના અપડેટ્સ ઉપર નજર રાખી તે મુજબ લોકો ને સાવચેત કરી જરૂર જણાય તો સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ થશે.