વલસાડ માં મોડી રાત્રે હિટ એન્ડ રનની બનેલી કરૂણ ઘટના માંઅજાણ્યા વાહન ચાલકે ત્રણ બાઈક સવાર યુવકોને અડફેટમાં લેતા ત્રણેયનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત થયાં છે. અકસ્માત ની આ ઘટનાને પગલે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વાહનો થંભી ગયા હતા. ઘટના ની જાણ થતાં જ પારડી પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી.
વલસાડ ના પારડી પાસે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર મોડી રાત્રે એક પલ્સર બાઈક પર સવાર ત્રણ યુવકોને કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા યુવકો બાઇક સાથે હાઇવે પર ફંગોળાયા હતા પરિણામે ગંભીર ઇજાઓ થતા ત્રણેય યુવકનાં ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નીપજ્યાં હતા. ઘટનાની જાણ થતા જ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવકોના મૃતદેહનો કબજો લઈને પીએમ માટે ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં યુવકો પાસેથી મળેલા આઈકાર્ડના આધારે મૃતકો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી કોસમાડી ગામના હોવાનું બહાર આવ્યું છે. પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક ની તપાસ હાથ ધરી છે આ ઘટના ને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઇ છે.