વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા સોળસુમ્બા ગામના સરપંચે 15 જેટલા યુવાનો એ પોતાના ઉપર હૂમલો કર્યો હોવા અને આ યુવાનો વિરુદ્ધ ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ મુદ્દો અહીં ભારે ચર્ચામાં રહ્યો છે. આ અંગે સરપંચ અમિત પટેલે જણાવ્યા પ્રમાણે ગામના કેટલાક યુવાનો છેલ્લા બે અઢી મહિનાથી ગામની પંચાયત અને સરપંચ વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં ડમી એકાઉન્ટ બનાવી ખોટી અફવાઓ ફેલાવતા હતાં. જેથી આ યુવાનોને સાયબર ક્રાઈમની ગંભીરતા સમજાવી ચેતવ્યા હતાં. તેમ છતાં ભડકાઉ પોસ્ટ કરતા હતાં. જે સંદર્ભે ફરી એકવાર તેમને સમજાવવામાં આવ્યા હતા પરંતુ મળવાના બહાને આવેલા 15 જેટલા યુવાનોએ અમિત પટેલ ઉપર સ્ટીકથી જીવલેણ હુમલો કર્યો હતો.આ ઘટનામાં અમિત પટેલને માથાના અને છાતીના ભાગે તેમજ તેમના મિત્રને આંખના ભાગે સ્ટીક વાગતાં ગંભીર ઇજાઓ થઈ હતી. જે અંગે ગામના આ 15 જેટલા યુવાનો વિરુદ્ધ ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સોશિયલ મીડિયા પરની ટિપ્પણીની આ બબાલ અંગે જે મારામારીનો વીડિયો ઉતારી ગામના યુવાનોએ વાઇરલ કર્યો હતો. જેમાં સરપંચને બેફામ ગાળો આપી ધક્કો મારવા સહિત તેના ઘરને પણ સળગાવી નાખીશું તેવી ધમકીઓ આપતા નજરે પડ્યા હતા ત્યારે આ પ્રકરણ ભારે વિવાદી બન્યું છે અને જો સમયસર પગલાં ભરવામાં નહિ આવે તો બબાલ મોટું સ્વરૂપ ધારણ કરે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે.
