વલસાડ પંથક માં વરસાદી માહોલ જામતા જનજીવન ખોરવાયુ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે અહીં લોકમાતા ઔરંગા નદીમાં ઘોડાપુર આવતા તંત્ર એક્શન માં આવી ગયું છે બીજી તરફ નદીમાં પાણી ની આવક વધતા પીઠા અને સારંગપુર વચ્ચેનો ઔરંગા નદીનો બ્રિજ પાણીમાં ગરકાવ થઇ જતા આસપાસના 8 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યાં છે.
વિગતો મુજબ વલસાડ તાલુકાના કાજણ, જૂજવા, સારંગપુર, પીઠા, પદારિયા, કલવાડા જેવા ગામોના લોકો આ બ્રિજનો ઉપયોગ કરે છે જે બ્રીજ પાણી માં ગરક થઈ જતા લોકો અટવાયા હતા.
વલસાડના મધુબન ડેમમાં પાણી ની આવક વધતા મધુબન ડેમના 2 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.હાલ માં ડેમમાં 31054 ક્યુસેક પાણીની આવક
12401 ક્યુસેક પાણીની જાવક હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તમામ 32 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે માંડવીમાં 6 ખેરગામમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારથી વરસાદ ફરી શરૂ થયો છે. જેમાં 6થી 10 ચાર કલાકમાં વલસાડ જિલ્લાના પારડીમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે સુરત જિલ્લાના માંગરોળમાં પણ 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આમ દક્ષિણ ગુજરાતમાં વલસાડ થી લઈ સુરત સુધીનો વિસ્તાર જળબંબાકાર બન્યો છે અને ચોમાસા નો માહોલ જામ્યો છે.વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત રહેતા વિતેલા 24 કલાકમાં ઉમરગામ, ધરમપુર, કપરાડામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. પારડીમાં 6.72 ઈંચ, વાપી-વલસાડમાં 4 ઈંચમાં વરસાદ ખાબક્યો છે. કોલક, દમણગંગા, પાર અને ઔરંગા નદીઓ બે કાંઠે વહી રહી છે
