વલસાડ નગરપાલિકાની આજે સોમવારે મળનારી બજેટની સામાન્ય સભામાં આવકના સ્ત્રોત ઉપર ચર્ચા થશે,પાલિકામાં પૂરતી આવક વિના આર્થિક સંકટ ઉભું થયું છે, પાલિકા પાસે ડ્રેનેજ,રસ્તા,પાણી,લાઇટ જેવી પ્રાથમિક સુવિધાના મરામત નિભાવના નાણાં પણ નથી ઉપરાંત પગાર,પેન્શનની ચૂકવણી કરવા પણ દર મહિને કરવા મુશ્કેલીઓ આવી રહી છે. લાઇટના બિલો ભરવા માટે પણ પાલિકાને ફાંફાં પડી રહયા છે પરિણામે પાલિકાના સભ્યો આવક વધારવા માટે મંથન કરી રહયા છે ત્યારે આજે તા. 7 માર્ચે યોજાનાર વલસાડ પાલિકાની સને 202-23ના વાર્ષિક બજેટની સામાન્ય સભામાં ચર્ચા હાથ ધરાનાર છે.જેમાં પાલિકાની માલિકીના શોપિંગ સેન્ટરોની દૂકાનોના ભાડા વધારવા અંગે પણ ચર્ચા થશે,આ સાથે પાલિકાની મિલકતોની મરામત અને નિભાવણીના કામે પણ પરામર્શ થશે.
પાલિકાની આવકના સ્ત્રોત વધારવામાં ન આવે તો વહીવટ કરવું મુશ્કેલ છે તે હકીકતને ધ્યાને રાખી પ્રમુખ કિન્નરી પટેલે બજેટની સામાન્ય સભાના એજન્ડામાં આ કામો લીધા છે ત્યારે તેને કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રહ્યું.
