ભારત બંધના એલાનને પગલે ગુજરાત સહિત સમગ્ર દેશ માં દેખાવો શરૂ થઈ ગયા છે ત્યારે ગુજરાત માં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છેઅને દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલા વલસાડ જિલ્લા માં પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
ભારત બંધ ને વલસાડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને વલસાડ જિલ્લા કોંગ્રેસે પણ લેખિતમાં સમર્થન જાહેર કરતા જિલ્લા પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને રાજ્ય ના પોલીસ વડા દ્વારા લાગુ કરાયેલ 144 ની કલમ નો કડક અમલ કરાવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
વલસાડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનને ખેડૂતોના આંદોલનને સાથ આપવા ટેકો જાહેર કર્યો છે તેઓ પણ પંજાબના જ ખેડૂતો હોવાથી કિસાન આંદોલનને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.આ ઉપરાંત વલસાડના પ્રદેશ કોંગ્રેસ કોર કમિટિના મેમ્બર અને એઆઇસીસી મેમ્બર નેતા ગૌરવ પંડયા એ પણ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા કૃષિબિલ હેઠળ 3 કાયદા સામે ખેડૂતો ના આંદોલન ને વ્યાજબી ઠેરવ્યું હતું.
અને ખેડૂતો ને પોતાનું સમર્થન જાહેર કરી કાયદો પાછો ખેંચવા અંગે પ્રતિક્રિયા આપી હતી.
વલસાડ પંથક માં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.દરમિયાન વલસાડ શહેર પોલીસ દ્વારા સવારથી જ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓની એન્ટ્રી થતાં જ વલસાડ સીટી પીઆઇ દ્વારા કાર્યકર્તાઓ ની અટકાયત કરવામાં આવી હતી આમ રાજ્ય માં કોંગી અગ્રણીઓ અને કાર્યકરો ની અટકાયત નો દૌર જારી રહ્યો હતો.
